1. Home
  2. ગુજરાતી
  3. મુંબઈમાં જાહેર સ્થળે કબૂતરોને ચણ નાખવી વેપારીને ભારે પડી, કોર્ટે ફટકાર્યો દંડ
મુંબઈમાં જાહેર સ્થળે કબૂતરોને ચણ નાખવી વેપારીને ભારે પડી, કોર્ટે ફટકાર્યો દંડ

મુંબઈમાં જાહેર સ્થળે કબૂતરોને ચણ નાખવી વેપારીને ભારે પડી, કોર્ટે ફટકાર્યો દંડ

0
Social Share

મુંબઈ, 27 ડિસેમ્બર 2025: મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને કબૂતરખાના બંધ કરવાના લીધેલા નિર્ણય બાદ હવે ન્યાયતંત્રએ પણ કડક વલણ અપનાવ્યું છે. દાદર વિસ્તારમાં પ્રતિબંધ હોવા છતાં કબૂતરોને ચણ નાખવા બદલ એક વેપારીને કોર્ટે દોષિત ઠેરવી દંડ ફટકાર્યો છે. દેશમાં આ પ્રકારની સજાનો આ પ્રથમ કિસ્સો હોવાનું માનવામાં આવે છે.

મુંબઈમાં કબૂતરોને કારણે ફેલાતી ગંભીર બીમારીઓ અને શ્વાસના રોગોના ખતરાને જોતા BMCએ કબૂતરખાના બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય સામે કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો અને બોમ્બે હાઈકોર્ટમાં ધા નાખી હતી, પરંતુ હાઈકોર્ટે કોઈ પણ રાહત આપવાનો ઈનકાર કરી પ્રતિબંધ યથાવત રાખ્યો હતો. આમ છતાં, દાદર વિસ્તારમાં રહેતા વેપારી નિતિન શેઠ પ્રતિબંધિત વિસ્તારમાં આવીને કબૂતરોને ચણ નાખી રહ્યા હતા.

આ પણ વાંચોઃ દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં AQI 400 ને પાર, હજુ પરિસ્થિતિ વિકટ થશે

પોલીસે આ મામલે વેપારી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.વાય. મિસલે આ કેસમાં ચુકાદો આપતા વેપારીને દોષિત જાહેર કરી 5,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે પોતાના અવલોકનમાં જણાવ્યું કે, આ કૃત્ય જાહેર આરોગ્ય, જીવન અને સુરક્ષાને જોખમમાં મૂકનારું છે.  ભારતીય ન્યાય સંહિતાની કલમ 223(ખ) અને BNS ની કલમ 271 (ખતરનાક બીમારી ફેલાવવાનો ભય) હેઠળ આ સજા સંભળાવવામાં આવી છે. ભવિષ્યમાં લોકો આવું કૃત્ય ન કરે તે માટે આ ચુકાદો એક ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવ્યો છે.

તબીબી નિષ્ણાતોના મતે, કબૂતરોની ચરક અને તેમની પાંખોમાંથી નીકળતી રજકણોથી ‘હાઈપરસેન્સિટિવિટી ન્યુમોનાઈટિસ’ જેવી ફેફસાની ગંભીર બીમારીઓ થઈ શકે છે. આ જોખમને જોતા બોમ્બે હાઈકોર્ટે ઓગસ્ટ મહિનામાં જ જાહેર સ્થળો પર કબૂતરોને ચણ નાખવા પરના પ્રતિબંધને યોગ્ય ઠેરવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, વેપારીએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. આ કેસ બાદ હવે મુંબઈના અન્ય વિસ્તારોમાં પણ કબૂતરખાનાઓ પાસે પોલીસ અને BMCની સતર્કતા વધારી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ શાંતિ બેઠક પહેલા જ કિવ પર રશિયાનો પ્રચંડ મિસાઈલ હુમલો                                  

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code