
MS યુનિમાં VCના બંગલે દેખાવો અને તોડફોડ કરનારા વિદ્યાર્થીઓ સામે રાયોટિંગનો ગુનો નોંધાયો
વડોદરાઃ શહેરની એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માટે મેસ ફરજિયાત કરવામાં આવી છે. અને વિદ્યાર્થીઓને એડવાન્સ રૂપિયા ભરાવવામાં આવી રહ્યા છે. તેની સામે વિદ્યાર્થીઓ લડત આપી રહ્યા છે. દરમિયાન વિદ્યાર્થીઓ યુનિના કૂલપતિના નિવાસસ્થાને દેખાવો કરવા માટે ગયા હતાં. જ્યાં કેટલાક વિદ્યાર્થીઓએ કમ્પાઉન્ડ વોલના દરવાજાના ફાઇબર કવર અને મિજાગરાને 2 હજારનું નુકસાન કર્યુ હતુ. આથી 200 વિદ્યાર્થી સામે રાયોટિંગનો ગુનો નોંધાયો છે. વિદ્યાર્થીઓની ન્યાયની લડત કચડવા પ્રયાસ કરાયો છે. જેની સામે વિદ્યાર્થી સંગઠનોએ પણ વિરોધ કર્યો છે.
એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે મેસ ફી ફરજિયાત રાખવાના નિર્ણય સામે ગઈ તા. 28 જૂને હોસ્ટેલના વિદ્યાર્થીઓએ વીસીના ઘરે જઇ દેખાવો કર્યા હતા. વિદ્યાર્થીઓ દરવાજા કૂદી વીસીના બંગલામાં પ્રવેશ્યા હતા. જોકે વિદ્યાર્થીઓનું ટોળું વધુ હોવાથી મેઇન ગેટના ફાઇબર કવર તથા દરવાજાના મિજાગરાને નુકસાન થયું હતું. જેને પગલે વીસીના આદેશથી વિજિલન્સ અને સિક્યોરિટી ઓફિસર સુદર્શન વાળાએ સયાજીગંજ પોલીસ મથકમાં 200 વિદ્યાર્થીના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રાયોટિંગ હેઠળ ફરિયાદ નોંધી છે. 28મીએ વિદ્યાર્થીઓ વીસીના નિવાસે રજૂઆત કરવા ગયા હતા, જેથી સયાજીગંજ પોલીસમાં ફરિયાદ બુધવારે પાછલી તારીખમાં નોંધાઈ હતી. 1 જુલાઈથી નવા કાયદા લાગુ થયા છે, પણ ફરિયાદ પાછલી તારીખમાં નોંધી હોવાથી બીએનએસને બદલે આઈપીસી હેઠળ ગુનો નોંધ્યો હતો. જેની સામે વિદ્યાર્થીઓમાં રોષ ઊભો થયો છે.
વિદ્યાર્થી નેતાના કહેવા મુજબ એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલની મેસ ફીના મુદ્દે હોસ્ટેલના વિદ્યાર્થીઓએ વીસીના બંગલામાં પ્રવેશ કર્યો હતો, જેને કારણે વીસીનો અહમ ઘવાયો હતો. તેમણે બીજા જ દિવસે વોર્ડનો સાથે બેઠક કરી તમામ વિદ્યાર્થીને શોધી પગલા ભરવા સૂચના આપી હતી. 20 દિવસથી પ્રવેશ મુદ્દે યુનિવર્સિટીમાં આંદોલનો થઇ રહ્યાં છે અને વીસીને ગાંધીનગરનું તેડું આવી રહ્યું છે, જેને પગલે વીસીએ હોસ્ટેલ આંદોલનના મુદ્દે વિદ્યાર્થીઓને દબાવવા ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો. ખાસ કરીને વીસીના બંગલા સુધી કોઇ આંદોલન કરવા ન આવે તે માટે રાયોટિંગનો ગુનો દાખલ કરાવાયો હતો.