![અહમદનગરની સિવિલ હોસ્પિટલના ICUમાં આગ લાગતાં 10 દર્દીના મોત](https://www.revoi.in/wp-content/uploads/2021/11/Ahamadnagar.png)
અહમદનગરઃ મહારાષ્ટ્રના અહમદનગરની જિલ્લા સરકારી હોસ્પિટલના આઈસીયુમાં આગ લાગતા 10 લોકોના મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતાં આગ બુઝાવવા માટે ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. બીજી તરફ, ICUમાં દાખલ દર્દીઓને અન્ય સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. ICUમાં ઘણા દર્દીઓ હતા, જે વેન્ટિલેટર પર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 10 દર્દીએ જીવ ગુમાવ્યા છે. જોકે વહીવટીતંત્રે એની હજુ પુષ્ટિ કરી નથી.
અહમદનગરના ડીએમ રાજેન્દ્ર ભોસલેએ જણાવ્યું હતું કે, શહેરની સિવિલ હોસ્પિટલમાં આગ લાગી હતી. જેમાં 10 લોકોના મોત થયા હતા. આઈસીયુ વોર્ડમાં 17 દર્દી દાખલ હતા. પોસ્ટમોર્ટમ બાદ જાણવા મળશે કે તેમનું મોત શ્વાસ રૂંધાઈ જવાથી થયું કે નહીં. આગ લાગવાના કારણો અંગે તપાસ થઈ રહી છે. આગ લાગી એ સમયે ICU વોર્ડમાં 20 લોકો હાજર હતા. હોસ્પિટલના વોર્ડ બોય્ઝ, નર્સો અને ડોકટરોએ તમામ દર્દીઓને સલામત વોર્ડમાં ખસેડ્યા હતા. જે વોર્ડમાં આગ લાગી હતી એ હોસ્પિટલની મધ્યમાં છે.
આગ લાગવા પર હોસ્પિટલના અગ્નિશામક યંત્રથી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ એ નિષ્ફળ ગયો હતો. અહમદનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને એમઆઈડીસી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રારંભિક અંદાજ મુજબ આગ શોર્ટસર્કિટને કારણે લાગી હતી. , જોકે એની પુષ્ટિ થવાની બાકી છે.
અહમદનગરની સિવિલ હૉસ્પિટલમાં આઈસીયુમાં 20 દર્દીઓની સારવાર થઈ રહી હતી. જોકે, ઘટનામાં 10 દર્દીનાં મોત થઈ જતા લગભગ 50 ટકા દર્દીઓનાં મોત નીપજ્યા છે. જોકે, ઘટના સ્થળે આવેલા ધારાસભ્ય સંગ્રામ જગતાપે જણાવ્યું કે આગનું કારણ જાણી શકાયું નથી. ઘટનાની તપાસ થવી જોઈએ. હૉસ્પિટલનું ફાયર ઑડિટ કરવામાં આવ્યું હતું કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ