ઘરમાં નોકર રાખતા પહેલા ચેતજોઃ બિહારથી મહિલાઓને સુરત લાવીને ચોરી કરતી મહિલા ગેંગ ઝબ્બે
અમદાવાદઃ સુરતના ખટોદરા અને ઉમરા વિસ્તારમાં ઘરમાં નોકર ચોરીની બે ઘટના સામે આવી હતી. જેનો ક્રાઈમબ્રાન્ચે ભેદ ઉકેલી નાખીને મુખ્યસૂત્રચાર અને 3 મહિલાઓને ઝડપી લીધી હતી. જ્યારે અન્ય પાંચ મહિલાઓની સંડોવણી સામે આવતા તેમને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. લોકોના ઘરમાં ચોરીના ગુનાને અંજામ આપવા માટે બિહારથી યુવતી-મહિલાઓને બોલાવવામાં આવતી હતી. તેમજ નોકર તરીકે ઘરમાં નોકરી કરીને માલિકને ખબર પડે તે પહેલા જ લાખોનો હાથ ફેરો કરીને પલાય થઈ જતી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર તાજેતરમાં ખટોદરા અને ઉમરા વિસ્તારમાં નોકર ચોરીના બે બનાવ સામે આવ્યાં હતા. બંને મહિલાઓએ 3 દિવસ પહેલા જ કોઈ પણ ઓળખાણ વિના નોકર તરીકે કામ મેળવ્યું હતું. પોલીસે સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસતા બંને ઘટના એક-બીજા સાથે જોડાયેલી હોવાનું સામે આવ્યું હતું. પોલીસની તપાસમાં બંને મહિલા ઉપરાંત અન્ય પાંચ મહિલા અને એક પુરુષની સંડોવણી પણ સામે આવી હતી. પોલીસને આ પ્રકરણમાં સંડોવાયેલા જ્યોતિષ્ય નામની વ્યક્તિની સંડોવણી ખુલી હતી. જેથી તેને ઝડપી લેવા માટે પોલીસે બિહાર સુધી તપાસ લંબાવી હતી. પોલીસે બિહારના ભાગલપુરના કહલ ગામમાં ધામા નાખીને શિવકુમારી પહાડી વિસ્તારમાંથી જ્યોતિષ્ય કંસારા, તેની પત્ની શોભા, મમતા સાહૂ અને પૂજા સાહુને ઝડપી લીધી હતી. આરોપીની તપાસમાં બંને ચોરીના ભેદ ઉકેલાયો હતો. તેમજ મચૂરની દેવી, અંજની દેવી, રેશ્મા, બુધની દેવી તથા પૂનમ નામની મહિલાઓની સંડોવણી પણ સામે આવી હતી.
શહેરના પોશ વિસ્તારમાં નોકરની અછત હોવાથી તેનો ગેરલાભ ઉઠાવીને મકાનમાં ચોરીનું કાવતરુ ઘડ્યું હતું. જેથી પોતાના ગામથી યુવતીઓને સુરત લાવીને તેમને ભાડાના મકાનમાં રહેવાની વ્યવસ્થા કરતો હતો. તેમજ લોકોના ઘરમાં નોકર તરીકે કામ અપાવીને ચોરીના ગુનાને અંજામ આપતા હતા. ટોળકી સુરતમાં ચોરીને અંજામ આપ્યા બાદ પોલીસથી બચવા માટે બિહાર ભાગી જતા હતા. પોલીસની તપાસ શાંત પડતા ફરી સુરત આવીને ગુનો આચરવામાં આવતો હતો. આરોપીઓની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શંક્યતા છે.