
વડોદરાઃ શહેરમાં આજે સવારના સમયે ગોત્રી વિસ્તારમાં સીએનજી ગેસના સિલિન્ડરોને લઈ જતી ટ્રકમાં ગેસ લિકેજ થતાં રોડ પરના અન્ય વાહનચાલકો અને રાહદારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. દરમિયાન આ બનાવની ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર જવાનોએ દોડી આવીને ગેસના વાલ્વને બંધ કરીને ગેસ ફેલાતો અટકાવ્યો હતો. જેને કારણે આસપાસના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આજે સવારના સમયે સીએનજી સપ્લાય કરતી ટ્રકમાં પાઈપલાઇન ફાટી જતા ગેસ લીકેજ થયું હતું. જેને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને વાલ્વ બંધ કરીને ગેસ લીકેજ થતું અટકાવ્યું હતું. જોકે, વડોદરા શહેરના મુખ્ય રોડ પર આ પ્રકારે સીએનજી ગેસ લીકેજ થતાં આસપાસના લોકો અને વાહનચાલકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ સાથે થોડીવાર માટે એક સાઈડનો રસ્તો પણ બંધ કરવાની ફરજ પડી હતી.
ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના ગોત્રી વિસ્તારમાંથી આજે સવારે 7:30 વાગ્યે સીએનજી સ્ટેશન ઉપર સપ્લાય કરતી સીએનજી ગેસ ભરેલી ટ્રક પસાર થઈ રહી હતી. આ સમયે સીએનજી ટ્રકનો પાઈપ ફાટતા તેમાંથી ગેસ લીકેજ થવા લાગ્યો હતો. ગેસ લીકેજ થવાનો મોટો અવાજ સંભળીને ડ્રાઇવરે તુરંત જ ગાડી રોકી દીધી હતી. ટ્રકના ચાલકે ગેસ લીકેજને અટકાવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. મુખ્ય રોડ પર ગેસ લીકેજ થતા એક તરફનો રસ્તો બંધ કરાવવાની ફરજ પડી હતી. આ બનાવની જાણ થતાં વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. અડધા કલાકની જહેમત બાદ ગેસ લીકેજ થતો અટકાવ્યો હતો. જેને કારણે આસપાસના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.