સરદાર પટેલની 75મી પુણ્યતિથિ પર દિલ્હીમાં ભજવાયું ભવ્ય અને ભાવપૂર્ણ નાટક: ‘લોહપુરુષ’
નવી દિલ્હી: 16 ડિસેમ્બર, 2025: Sardar Patel’s 75th death anniversary ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલના જીવન-કાર્યનું આલેખન કરતું એકપાત્રીય હિન્દી નાટક ‘લૌહપુરુષ’નું રવિવારે નવી દિલ્હીમાં ભાવપૂર્ણ મંચન કરવામાં આવ્યું. સરદાર પટેલની 75મી પુણ્યતિથિની પૂર્વસંધ્યાએ ચાણક્યપુરીસ્થિત સીએસઓઆઈ ઓડિટોરિયમ ખાતે આ વિશેષ અને ભાવનાત્મક પ્રસ્તુતિનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વર-સંસાર વેલ્ફેર સોસાયટી અને સિવિલ સર્વિસીસ ઓફિસર્સ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમ સરદાર પટેલના અતુલનીય જીવન અને તેમના પોલાદી વ્યક્તિત્વને સમર્પિત હતો.
જાણીતા ગુજરાતી સાહિત્યકાર, સંપાદક અને નાટ્યકાર ભાગ્યેન્દ્ર પટેલ દ્વારા લિખિત, નિર્દેશિત અને તેમના દ્વારા જ અભિનિત આ મોનોએક્ટ પ્લેમાં, તેમણે પોતાના ઓજસ્વી અને ભાવનાત્મક અભિનયથી સરદાર પટેલના આદર્શો અને રાષ્ટ્રીય નિર્માણમાં તેમના અવિસ્મરણીય યોગદાનની ગાથાને જીવંત કરી દીધી, જેનાથી દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા.
કાર્યક્રમની શરૂઆત સરદાર પટેલની 150મી જન્મજયંતી અને 75મી પુણ્યતિથિ પર કેન્દ્રિત પરિચયાત્મક અને જ્ઞાનવર્ધક વક્તવ્યથી થઈ, જે વરિષ્ઠ લેખક, સિને-ઇતિહાસકાર અને કલા-પ્રોત્સાહક ડૉ. રાજીવ શ્રીવાસ્તવ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું. તેમણે રાષ્ટ્રનિર્માણમાં સરદાર પટેલના વિલક્ષણ યોગદાનથી દર્શકોને વાકેફ કર્યા.

નાટકના કાર્યકારી નિર્માતા લતા પટેલ અને સ્વર-સંસારના મુખ્ય સંરક્ષક નવિતા સક્સેના ગૈહાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં રાજધાનીના કલા-પ્રેમીઓ અને અનેક ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ આ ભાવપૂર્ણ સાંસ્કૃતિક સંધ્યાને સફળ બનાવીને દેશના મહાન સપૂતને પોતાની શ્રદ્ધાંજલિ અર્પિત કરી.
દિલ્હીના ગુજરાતી સામાજિક અગ્રણી રોહિત પારેખે આ સફળ આયોજન પર પ્રસન્નતા વ્યક્ત કરી અને જણાવ્યું કે, “આ નાટકમાં સરદાર પટેલના જીવનના અનેક મહત્ત્વપૂર્ણ પ્રસંગો અને પાસાંઓને રેખાંકિત કરવામાં આવ્યા છે, જેના વિશે સામાન્ય રીતે લોકો વધુ જાણતા નથી. આ પ્રકારનું નાટ્ય મંચન યુવા પેઢીને રાષ્ટ્રના નાયકો સાથે જોડવાનું એક મહત્ત્વપૂર્ણ માધ્યમ છે.” તેમણે દિલ્હીમાં ગુજરાતી રંગમંચને સમૃદ્ધ કરવાના ભાગ્યેન્દ્ર પટેલના પ્રયાસોની પ્રસંશા કરી.
આ કાર્યક્રમને પ્રતીકાત્મક અને યાદગાર અવસર બનાવવામાં દક્ષિણ દિલ્હી ગુજરાતી મંડળના અધ્યક્ષા સચિના પટેલ, મહામંત્રી વિજય પંચાલ, સામાજિક કાર્યકર હર્ષ જિતેન્દ્ર, રાજેશ પટેલ અને મૃદંગ પટેલ વગેરેએ સઘન પ્રયાસો કર્યા. આ સાંજ માત્ર મનોરંજનથી ભરપૂર નહોતી, પરંતુ તેમાં ભારતના મહાન ‘લૌહપુરુષ’ને એક ભાવભીની અને સાર્થક શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી.


