
રાજકોટમાં આજે PM મોદીનું ભવ્ય સ્વાગત કરાશે, વડાપ્રધાનની સભા માટે વિશાળ ડોમ ઊભો કરાયો
રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સાંજે જામનગરની મિલાકાતે આવી પહોંચ્યા હતા. આજે રવિવારે સવારે દ્વારકામાં વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કર્યા બાદ બપોરે 3 વાગ્યા આસપાસ રાજકોટની મુલાકાતે આવી પહોંચશે. રાજકોટમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે. ત્યાર બાદ રેસકોર્સના વિશાળ મેદાનમાં સભાસ્થળે પહોંચીને વડાપ્રધાન ખુલ્લી જીપમાં જનતાનું અભિવાદન ઝીલશે. વડાપ્રધાનના આગમનને લીધે રાજકોટ શહેરમાં 4000થી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવવમાં આવ્યો છે. શહેરના રેસકોર્સ મેદાનમાં દિલ્હી, આગ્રાના કારીગરો દ્વારા વિશાળ ડોમ ઊભો કરાયો છે. જ્યારે કાર્યક્રમને લોકો નિહાળી શકે એ માટે 5 ડોમમાં 35 LED સ્ક્રીન લગાવવામાં આવ્યા છે. એક લાખ લોકો આ કાર્યક્રમમાં હાજર રહે એવી શક્યતા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સાંજે જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. જામનગર રાત્રી રોકાણ કરીને આજે રવિવારે સવારે દ્વારકા જશે. જ્યાં સુદર્શન બ્રિજ સહિત વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરીને બપોરે 3 વાગ્યા આસપાસ રાજકોટ આવી પહોંચશે. રાજકોટની મુલાકાતે વડાપ્રધાન આવી રહ્યા હોવાથી લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજાશે. વડાપ્રધાન લોકોનું અભિવાદન ઝીલશે. વડાપ્રધાન મોદીની રેસકોર્સના વિશાળ મોદાન પર જંગી જાહેરસભા યોજાશે. સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડશે. શહેરના રેસકોર્સ મેદાનમાં જિલ્લા કલેક્ટ૨ની દેખરેખ હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા એસી સહિતની સુવિધાઓ સાથેનો જર્મન ટેક્નોલોજીનો ડોમ ઊભો ક૨વામાં આવ્યો છે. આ ડોમની સાઈઝ 600×800 ફૂટની નક્કી કરવામાં આવી છે. કરોડોના ખર્ચે તમામ અદ્યતન સુવિધાઓ સાથે તૈયા૨ થયેલો આ ડોમ બનાવવા માટે ખાસ કારીગરો દિલ્હી, આગ્રા અને ગોધરા સહિતના વિસ્તારોમાંથી આવ્યા છે, જેમાં લાઈટ, પંખા, કૂલ૨ તેમજ બેસવા માટે સોફા તેમજ ખુરસીની બેઠક વ્યવસ્થા સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત સભાસ્થળ આસપાસ વધારાના મોબાઈલ ટોઇલેટની વ્યવસ્થા પણ ક૨વામાં આવી છે. આ ઉપરાંત સભામંડપમાં કાર્યક્રમ નિહાળવા માટે 35 જેટલી LED સ્ક્રીન લગાવવામાં આવી છે. રેસકોર્સમાં સભાસ્થળે ટેમ્પરરી વીજ જોડાણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એ માટે ટ્રાન્સફોર્મર સહિતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. જાહેરસભામાં ડોમ અને સ્ટેજ વગેરે માટે અલગ-અલગ વીજજોડાણ આપવામાં આવ્યાં છે. વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન કોઈ વીજ વિક્ષેપ ન સર્જાય એ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત 100થી વધુ વીજ કર્મચારીઓના સ્ટાફને પણ તહેનાત કરવામાં આવ્યો છે. તમામ કનેક્શન મોટા લોડના હોવાને કારણે લોડનો બોજ ન સર્જાય એ માટે બે સબસ્ટેશનમાંથી પાવર સપ્લાયની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજકોટની મુલાકાત દરમિયાન વડાપ્રધાનના હસ્તે કરોડો રૂપિયાના વિકાસના કામોનું લોકાર્પણ કરાશે