1. Home
  2. ગુજરાતી
  3. રાજસ્થાનના બીકાનેરમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર ટક્કર, એક જ પરિવારના 6 લોકોના મોત
રાજસ્થાનના બીકાનેરમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર ટક્કર, એક જ પરિવારના 6 લોકોના મોત

રાજસ્થાનના બીકાનેરમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર ટક્કર, એક જ પરિવારના 6 લોકોના મોત

0
Social Share

બીકાનેર, 15 જૂન 2026: રાજસ્થાનના બીકાનેર જિલ્લાના શ્રી ડુંગરગઢ પાસે નેશનલ હાઈવે પર સોમવારે એક અત્યંત દર્દનાક અને ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં એક પૂરપાટ ઝડપે આવી રહેલી કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા સામસામેના પ્રચંડ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે એક સગીરા ગંભીર રીતે ઘાયલ થઈ છે. હાઈવે પર સીજરાલ હોટેલ પાસે થયેલી આ ટક્કર એટલી જોરદાર હતી કે કારના કુરચેકુરચા ઊડી ગયા હતા અને હાઈવે પર ચીસાચીસ મચી ગઈ હતી.

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, શ્રી ડુંગરગઢ નેશનલ હાઈવે પર ઓવરટેકિંગ અથવા તેજ રફતારના કારણે કાર અને ટ્રક સામસામે અથડાયા હતા. અકસ્માતની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કારમાં સવાર 6 લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. મૃતકોમાં એક મહિલા અને એક બાળકીનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં અન્ય એક સગીરા લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી, જેને શ્રી ડુંગરગઢ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ તબીબી સારવાર માટે બીકાનેર રીફર કરવામાં આવી છે. હાલ હોસ્પિટલમાં તેની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માત થતાં જ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ‘આપણો ગામ સેવા સમિતિ’ની એમ્બ્યુલન્સ અને હાઈવે ટોલ પ્લાઝાની એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સ્થાનિક લોકો અને સેવાભાવી કાર્યકરોની મદદથી કારના પતરાં ચીરીને તમામ મૃતદેહોને બહાર કાઢી હોસ્પિટલના પીએમ રૂમમાં ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને હાઈવે પરથી ક્ષતિગ્રસ્ત વાહનોને હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં અકસ્માતનું મુખ્ય કારણ વાહનોની અનિયંત્રિત ઝડપ હોવાનું મનાઈ રહ્યું છે. હાલ પોલીસ મૃતકોની ઓળખ કરવા અને તેમના પરિવારજનોનો સંપર્ક કરવાના પ્રયાસો કરી રહી છે. એક સાથે 6 લોકોના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની લહેર વ્યાપી ગઈ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code