અમદાવાદ, 15 જુન, 2026 : Shortage of 2500 teachers in government schools રાજ્યમાં ઉનાળાનું વેકેશન પૂર્ણ થતાં શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે રાજ્યમાં ઘણીબધી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં અપૂરતા શિક્ષકોને કારણે બાળકોને શિક્ષણ પર અસર પડી રહી છે. એક પ્રાથમિક અંદાજ મુજબ શાળાઓમાં 2500 જેટલા શિક્ષકોની ઘટ છે. જ્યારે અંદાજે 500 જેટલી શાળાઓમાં કાયમી આચાર્યોની નિમણૂક થઈ નથી, માધ્યમિક શિક્ષણમાં આશરે 700 જેટલી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે જ્યારે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 1800થી વધુ શિક્ષક સહાયકોની જગ્યાઓ હજુ પણ ભરાઈ નથી. જો શાળાઓમાં શિક્ષકો જ ન હોય તો વિદ્યાર્થીઓને કોણ ભણાવશે તે પ્રશ્ન છે.
રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. વિદ્યાર્થીઓ શાળાએ પહોંચી ગયા છે. પરંતુ બીજી તરફ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની અછતનો પ્રશ્ન હજુ યથાવત છે. શિક્ષક સંગઠનોનો આક્ષેપ છે કે, રાજ્યની અનેક શાળાઓમાં આજે પણ આચાર્યો અને શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર સીધી અસર પડી રહી છે. ગુજરાતમાં શાળાઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ અનેક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં હજુ પણ પૂરતા શિક્ષકો ઉપલબ્ધ નથી.
શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનોનું કહેવું છે કે, શિક્ષકોની ભરતીમાં વિલંબ થવાને કારણે વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણથી વંચિત રહેવાનો વારો આવી રહ્યો છે. આક્ષેપ મુજબ વર્ષ 2011માં રાજ્ય સરકારે શિક્ષકોની ભરતી અને નિયુક્તિની જવાબદારી પોતાના હાથમાં લીધી હતી. પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધી રાજ્યની અંદાજે 500 જેટલી શાળાઓમાં કાયમી આચાર્યોની નિમણૂક થઈ શકી નથી. જેના કારણે શાળાઓના વહીવટી કામકાજ પર પણ અસર પડી રહી છે. માત્ર આચાર્યો જ નહીં પરંતુ માધ્યમિક શિક્ષણમાં આશરે 700 જેટલી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 1800થી વધુ શિક્ષક સહાયકોની જગ્યાઓ હજુ પણ ભરાઈ નથી. પરિણામે અનેક વિષયોના અભ્યાસક્રમને અસર પહોંચી રહી છે. શિક્ષકોની અછત દૂર કરવા માટે સરકારે પહેલા પ્રવાસી શિક્ષકોની વ્યવસ્થા અમલમાં મૂકી હતી. ત્યારબાદ જ્ઞાન સહાયક યોજના શરૂ કરવામાં આવી છે.


