કડીના નંદાસણ પાસે ફેકટરીમાં વિકરાળ આગ લાગતાં ફાયર ફાયટરોને કલાકો સુધી ભારે જહેમત ઉઠાવી
અમદાવાદઃ કડી તાલુકાના નંદાસણ રોડ પર આવેલી એક પશુ આહાર બનાવતી ફેક્ટરીમાં આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી. ધુળેટીની રજાના કારણે ફેક્ટરીમાં રજા હતી અને કોઈ કામદારો હાજર હતા નહીં. ફેક્ટરીના અંદરથી એકાએક ધુમાડાઓ નીકળવા લાગ્યા હતા. જેની લોકોને ખબર પડતા ફેક્ટરીના માલિકને જાણ કરવામાં આવી હતી. જેથી ઘટના સ્થળે માલિક આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરાતા કડી પાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આગને કાબુ મેળવવા માટે પ્રયત્નો ચાલુ કર્યા હતા. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે ગત રાત્રીના 12 વાગ્યા સુધી પણ આગ પર કાબુ મેળવી શકાયો ન હતો. આગને બુઝાવા કડી, મહેસાણા ઉપરાંત ગાંધીનગરથી પણ ફાયર ફાઈટરો બોલાવવામાં આવ્યા હતા. અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો.
આગના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, કડી તાલુકાના અલદેસણ ગામની સીમમાં પશુ આહાર બનાવતી ફેક્ટરીમાં અચાનક જ ધુળેટીના દિવસે બપોરના 1:00 વાગ્યાના અરસામાં આગ ભભૂકી ઊઠી હતી. ધુળેટીની રજા હોવાના કારણે ફેક્ટરી બંધ હતી અને કંપનીમાં કોઈ જ હાજર હતું નહીં. ફેક્ટરીમાં રહેલી મશીનરી તેમજ પશુ આહારમાં વપરાતો સારો સામાન બળીને ખાક થઈ ગયો હતો. આગના બનાવની જાણ કડી નગરપાલિકાના ફાયર ફાઇટરોને કરવામાં આવી હતી. ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, પરંતુ આગ કાબુમાં ન આવતા મહેસાણા તેમજ કલોલ પાલિકામાં જાણ કરવામાં આવી હતી. જ્યાંથી ફાયર ફાઈટરો કડી ખાતે આવી પહોંચ્યા હતા. કડી કલોલ તેમજ મહેસાણાના ફાયર ફાઈટરોએ આગને કાબુમાં લેવા માટે લાખો લીટર પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ સાંજ સુધી આગ પર કાબુ મેળવાયો નહોતો. આગ એટલી વિકરાળ હતી કે કડી કલોલ તેમજ મહેસાણાના ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવ્યો છતાં આ કાબુમાં આવી ન હતી. આગ કાબુમાં ન આવતા ફેક્ટરીના આગળના ભાગમાં આવેલી દિવાલને ક્રેન દ્વારા તોડી પાડવામાં આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે કંપનીમાં રહેલા પતરાનો શેડ પણ બેસી ગયો હતો. ત્યારબાદ ગાંધીનગર પાલિકાને જાણ કરાતા ગાંધીનગરના ફાયર ફાઈટર આવી પહોંચ્યા હતા. જ્યાં રાતના આઠ વાગ્યા સુધી 1.5 લાખ લિટર પાણીનો મારો ચલાવી દીધો હતો. રાતના બાર વાગ્યા સુધી એટલે કે 12 કલાક સુધી અલગ અલગ જગ્યાના સાત ફાયર ફાઈટરો કામે લાગ્યા હતા, લાખો લીટર પાણીનો મારો ચલાવ્યા બાદ આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી.