
દિલ્હીમાં જ્વેલર્સ શો-રૂમમાં રૂ. 25 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો, છત્તીસગઢમાં 3 ઝડપાયાં
દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના બોગલમાં જ્વેલર્સ શો-રૂમમાં થયેલી કરોડોની ચોરીને પોલીસે ભેદ ઉકેલી નાખીને 3 શખ્સોને છત્તીસગઢથી ઝડપી લીધા હતા. તેમજ ત્રણેય આરોપીઓની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા માટે વિવિધ વિસ્તારમાં દરોડાની કાર્યવાહી કરાઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીમાં જ્વેલર્સ શો-રૂમમાં થયેલી કરોડોની ચોરી કેસમાં પોલીસે લોકેશ શ્રીવાસ્તવ, શિવા ચંદ્રવંશી તથા અન્ય એક આરોપીને ઝડપી લીધો છે. પોલીસે તેમની પાસેથી ચોરીનો કેટલોક મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ટોળકી છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. હાલ દિલ્હી પોલીસે છત્તીસગઢમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. દિલ્હીમાં જ્વેલર્સ શો-રૂમમાં 25 કરોડની ચોરી થઈ હતી. દિલ્હીના ઈતિહાસની આ સૌથી મોટી ચોરી મનાય છે. તસ્કરોએ પ્લાનિંગ સાથે શો-રૂમમાં ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. ચોરો દિવાલમાં બાખોરુ પાડીને શો-રૂમના લોકર સુધી પહોંચ્યાં હતા. તસ્કરોએ શો-રૂમમાં પ્રવેશ પહેલા જ સીસીટીવી કેમેરાના કનેક્શન કાપી નાખ્યાં હતા. સમગ્ર પ્રકરણમાં પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરીને રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. પોલીસમાં તપાસમાં ચોરીના અનેક ગુનાનો ભેદ ઉકેલાવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીના જ્વેલર્સ શો-રૂમમાંથી કરોડોની કિંમતના સોના અને ચાંદીના દાગીનાની ચોરી થતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. તેમજ તસ્કરોને ઝડપી લેવા માટે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. દરમિયાન ચોરીની ઘટનામાં છત્તીસગઢનું પગેરુ ખુલતા પોલીસે તપાસ છત્તીસગઢ સુધી લંબાવી હતી.