
ગાંધીનગરમાં રસ્તા ઉપર ભૂવો પડ્યો, બાઈક ચાલક અંદર ખાબક્યો
અમદાવાદઃ રાજ્યમાં ચોમાસામાં વરસાદને કારણે અમદાવાદ સહિતના શહેરો અને નગરોમાં રસ્તા ઉપર ખાડા પડવાની ઘટના સામે આવે છે. અમદાવાદમાં અવાર-નવાર રસ્તામાં ભૂવા પડવાની ઘટના બને છે. હવે અમદાવાદની નજીકમાં જ આવેલી રાજધાની ગાંધીનગરમાં પણ ભૂવા પડવાની ઘટના બનતા તંત્ર દોડતું થઈ ગયું છે. આ ભૂવામાં બાઈક ચાલક ખાબક્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ચ-૦ થી ઘ-૦ માર્ગ ઉપર મોટો ભૂવો પડ્યો હતો. એટલુ જ નહીં આ ભૂવામાં એક બાઇક સવાર પણ ખાબકી ગયો હતો. જો કે ભારે જહેમત બાદ ભૂવામાં પડેલા વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો હતો. માર્ગમાં ભૂવો પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ બનાવની જાણ થતા વહીવટી તંત્રના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ભુવાની આસપાસ બેરિકેટ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રાજધાની ગાંધીનગરમાં મોટાભાગની સરકારી ઓફિસો આવેલી છે. હાલ તહેવારને કારણે રજાનો માહોલ છે. જેથી રોડ ઉપર ભુવો પડવાને કારણે મોટી દૂર્ઘટના ટળી હતી.