
ભુજમાં હમીરસર તળાવના કિનારે લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
શ્રાવણી માસના મધ્હ્યાને કચ્છમાં સાતમ આઠમના પર્વો લોકો રંગેચંગે ઉજવી રહ્યાં છે ત્યારે ભુજમાં હમીરસર તળાવના કિનારે લોકમેળાનો રંગેચંગે પ્રારંભ થયો હતો. 15મી ઓગસ્ટની રજા હોવાના લીધે સાંજ પછી મેળામાં રંગત વધી હતી અને હૈયેહૈયું દળાય તેવી ભીડ મેળામાં સર્જાઇ હતી. ભુજ શહેર ઉપરાંત કચ્છ જિલ્લામાંથી લોકો ઉમટી પડ્યા હતા. 16મી ઓગસ્ટે શ્રાવણ વદ આઠમના જન્માષ્ટમી પણ ભાવભેર ઉજવાશે. ચોમાસાની શરૂઆત સારી હોવાની અસર પણ લોકમેળામાં જોવાઇ રહી છે.
તહેવાર પ્રિય જિલ્લાવાસીઓ સાતમ આઠમ, નવરાત્રિ કે દિવાળીના સપરમા દિવસોની ઉજવણી કરવાનું ચૂકતા નથી. આ વખતે 15મી ઓગસ્ટ શુક્રવાર, 16મીએ જન્માષ્ટમી અને 17મીએ રવિવાર હોવાના લીધે ત્રણ રજાનો સંગમ થતાં મેળામાં રંગત જામવાની છે. શુક્રવારે સાંજે સાતમના મેળામાં તળાવ કિનારે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. દર વર્ષની જેમ ખાણીપીણી ઉપરાંત ખરીદી અને રમકડાંના સ્ટોલનો મોકો લોકોને મળ્યો હતો. પરંતુ રાઇડ્સ ઓછી હોવાનું અનુભવાયું હતું. જર્જરિત કૃષ્ણાજી પુલ એક જ તરફે ચાલુ હોવાના લીધે એ વિસ્તારમાં ભારે ભીડ સર્જાઇ હતી.
આજે સદંતર રજાનો માહોલ હોવાના લીધે લોકો ભુજ, અંજાર સહિતના મેળાઓ ઉપરાંત આસપાસના ફરવાના સ્થળોએ જઇને આઉટિંગની મજા માણવાના આયોજનો પણ થઇ ચૂક્યાં છે. કચ્છમાં માંડવી બીચ, માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, લખપત કિલ્લો, ધોળાવીરા, રોડ ટુ હેવન, કાળોડુંગર સહિતના સ્થળોએ પર્યટકોની ભીડ છવાઇ શકે છે. દિવસ દરમિયાન ભુજમાં જન્માષ્ટમીની શોભાયાત્રા તથા રાત્રે કૃષ્ણ મંદિરોમાં મટકીફોડ અને જન્મોત્સવ સહિતના કાર્યક્રમો પણ યોજાવાના છે.