
નવી દિલ્હીઃ કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવએ ડિજીટલ પ્ટેફોર્મ ફેસબુકની મૂળ કંપની મેટા, ગુગલ, અમેઝોન અને માઈક્રોસોફ્ટ સહિત અન્યને આકરી ટકોર કરી છે. તેમણે કહ્યું કે, ડિજીટલ પ્લેટફોર્મ ઉપર જે પણ કન્ટેન્ટ પબ્લિશ થાય છે તેની જવાબદારી લેવાનું શરુ કરે અને સમાજ તથા લોકતંત્રને નુકશાન પહોંચનારી ખોટી માહિતીઓનો સામનો કરવા માટે ટેકનીકલી અ વ્યાવસાયિક પ્રક્રિયા ઉકેલો બનાવવા જોઈએ. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે સરકાર ચૂંટણી પછી ડીપ ફેક અને ખોટી માહિતીનો સામનો કરવા માટે સુવિચારીત કાનૂની માળખાને અંતિમ રૂપ આપવામાં આવશે.
તેમણે કહ્યું કે ભારત જેવા જીવંત અને વૈવિધ્યસભર લોકતંત્રમાં ખોટી માહિતી ખરેખર ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે. આ સમાજ, લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયા માટે હાનિકારક હોઈ શકે છે અને તે ખરેખર આપણા ભાવિ અને મોટા પાયે સમાજની સંવાદિતાને અસર કરી શકે છે.
તેમણે કહ્યું કે, સરકાર દ્વારા એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે જેમાં સોશિયલ મીડિયા પર ફરતી ખોટી માહિતી અને ડીપ ફેક્સ પ્રત્યે ઝીરો ટોલરન્સ પર ભાર મૂકવામાં આવ્યો છે. “અમે સોશિયલ મીડિયા કંપનીઓ સાથેની અમારી ચર્ચામાં ખૂબ જ સ્પષ્ટ છીએ. તેઓએ ઘણા પગલાં લીધાં છે, તેઓ ઘણા પગલાં લેવાનું ચાલુ રાખી રહ્યા છે અને ચૂંટણીઓ પૂરી થયા પછી તરત જ, અમે ચોક્કસપણે ખૂબ જ સંપૂર્ણ ચર્ચા સાથે આગળ આવીશું.”
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર તરફથી આ પ્રકારનું નિવેદન ગૂગલ જેમિની AI વિવાદ પછી આવ્યું છે. ગૂગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરની વાંધાજનક ટિપ્પણી પછી જેમિની માટે માફી માંગી હતી અને કહ્યું હતું કે AI ટૂલ્સ હંમેશા વિશ્વસનીય જવાબો આપતા નથી.