
ધારીના વાવડી ગામમાં શિકારની પાછળ દોડતો દીપડો અને શ્વાન ઊંડા કૂવામાં ખાબકતા બન્નેના મોત
અમરેલીઃ જિલ્લામાં દીપડાઓની પણ સંખ્યા વધી રહી છે. શિકાર માટે સિંહ-દીપડા ગ્રામ્ય વિસ્તારમાં આટાંફેરા મારતા જોવા મળતા હોય છે. દરમિયાન જિલ્લાના ધારી તાલુકાના વાવડી ગામની સીમમાં કૂતરા પાછળ પડતા બન્ને દોડી રહ્યા હતા, ત્યારે અકસ્માતે બન્ને ઊંડા કૂવામાં ખાબક્યા હતા. બન્નેના મોત નિપજ્યા હતા. આમ શ્વાનનો શિકાર કરવા જતાં દીપડો ખુદ શિકાર બની ગયો છે.
વન વિભાગ દ્વારા આ બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાવડી ગામ નજીક એક ખેડૂતની વાડીમાં મોડી રાતે દીપડો આવી ચડ્યો હતો. જેણે શ્વાનનો શિકાર કરવા શ્વાન પાછળ દોડ મૂકી હતી. આ દરમિયાન ભાગતાં ભાગતાં શ્વાન જીવ બચાવવા ખુલ્લા કૂવામાં ખાબકી જતા પાછળ શિકાર કરવા આવેલો દીપડો પણ ઊંડા કૂવામાં ખાબકતાં બંનેના મોત થયા હતા. આ ઘટનાની જાણ સ્થાનિક ખેડૂતો દ્વારા વનવિભાગને કરતા રેન્જ વન વિભાગની ટીમ દોડી આવી હતી અને પ્રથમ મૃત દીપડાનું રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કઢાયો હતો. જેના મૃતદેહને પી.એમ.માટે એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે. હાલ પીએમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દીપડાને બહાર કાઢવા વન વિભાગના કર્મચારીઓ સહિત સ્થાનિક ખેડૂતોએ પણ મદદ કરી બહાર કાઢવામાં આવ્યો હતો.
અમરેલી જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં ખુલ્લા કૂવાઓને લીધે સિંહ, દીપડા ,નીલગાય જેવા વન્યપ્રાણીઓ વાંરવાર કૂવામાં પડીમાં જવાની ઘટનાઓ બની રહી છે. વનવિભાગ દ્વારા વાંરવાર ખુલ્લા કૂવા ઢાંકવા માટેની અપીલ કરવામાં આવી રહી છે તેમ છતાં ખુલ્લા કૂવાઓ જોવા મળી રહ્યા છે, જેના કારણે આકાસ્મિત રીતે વન્યપ્રાણીઓ પડી જવાની ઘટનાઓ બની રહી છે.