
AICCના નિરિક્ષકોની હાજરીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠકમાં 125 બેઠક જીતવાનો સંકલ્પ કરાયો
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં 125 બેઠકના વિજય સંકલ્પ સાથે રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નિરિક્ષક અને છત્તીસગઢના કેબીનેટ મંત્રી ટી.એસ.સિંહ દેવ અને પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી મીલીન્દ દેવરાજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્માજી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવાએ અખિલ ભારતીય કોંગ્રેસ દ્વારા નિમાયેલા તમામ લોકસભા નિરિક્ષકો સાથે સંવાદ બેઠક યોજી હતી. જેમાં ભાજપ સરકારની નિષ્ફળતાઓને પ્રજા સમક્ષ ઉજાગર કરવા, લોકોના પ્રશ્નો માટે વિવિધ તબક્કે લડત આપવા, તેમજ ઉમેદવારો વહેલા નક્કી કરવા, લોકોનો અભિપ્રાય મેળવ્યા બાદ ચૂંટણી ઢેઢેરો જાહેર કરવા સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાત કોંગ્રેસના લોકસભા બેઠક દીઠ નિમાયેલા નિરિક્ષકોની બેઠકને સંબોધન કરતાં છત્તીસગઢના કેબીનેટ મંત્રી ટી.એસ. સિંહ દેવે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર સારૂ કામ કરતી હશે તેવુ હું માનતો હતો. પરંતુ પૂજ્ય મહાત્મા ગાંધી – સરદાર સાહેબના ગુજરાતમાં બેફામ દારૂ વેચાય, એક લાખ ૭૫ હજાર કરોડનું ડ્રગ્સ પકડાય, 14 થી વધુ વખત પેપર ફુટે, એકજ જિલ્લામાં 25000 થી વધુ ગાયોના મૃત્યુ થાય વગેરે સહિતની વિગતોથી ભાજપ મોડલની નિષ્ફળતા ઉજાગર થઈ છે. ગુજરાતમાં કોંગ્રેસ જીવંત, મજબુત અને બળવાન છે. આવનારા દિવસોમાં કેવુ ગુજરાત બનાવવા માંગીએ છીએ એ વાતને લઈને કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઈશું. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો નવા ગુજરાતનો આધાર હશે.
રાષ્ટ્રીય સમસ્યા મોંઘવારી, બેરોજગારી સહિત ગુજરાતમાં ડ્રગ્સ – દારૂના મોટા પાયે વેપલા સહિતની નિષ્ફળતાને ઉજાગર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી અને સફળ પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્માજીએ નિરિક્ષકોની બેઠકને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ 125 થી વધુ બેઠકો સાથે આગામી વિધાનસભા 2022ની ચૂંટણી જીતશે. ગુજરાતમાં શહેરી વિસ્તારો માટે વિશેષ પ્લાનીંગ કરવામાં આવશે. કોંગ્રેસ પક્ષ દ્વારા જનજનને સાંકળીને 2000 થી વધુ બેઠકો યોજી ચૂંટણી ઢંઢેરો – સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં ચારેય ઝોનમાં કોંગ્રેસની જનસરકાર લાવવામાં આવશે તેવો નિર્ધાર કર્યો હતો. કોંગ્રેસ પક્ષ દ્વારા દરેક વિધાનસભાની સમસ્યાઓને સાંકળીને, જનતાના મુદ્દાને સાંકળીને, વિધાનસભા દીઠ ચૂંટણી ઢંઢેરા જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં હરીફાઈ માત્રને માત્ર ભાજપ – કોંગ્રેસ વચ્ચે છે. બાકીની તમામ પાર્ટીઓ ભાજપની બીટીમ છે.
કોંગ્રેસના પ્રદેશપ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વારંવાર લઠ્ઠાકાંડ થાય, ગાયોની હત્યા થાય, મોંઘવારી, બેરોજગારી સહિતની સમસ્યાઓ અંગે કોંગ્રેસ આક્રમક કાર્યક્રમ યોજશે. નોર્થ, સેન્ટ્રલ, સૌરાષ્ટ્ર અને સાઉથ એમ ચારેય ઝોનમાં ‘મારુ બુથ મારુ ગૌરવ’ કાર્યક્રમ અંતર્ગત બુથ મેનેજમેન્ટનું માઈક્રોપ્લાનીંગ કરવામાં આવશે. ગુજરાતના ચારેય ઝોનમાં મોંઘવારી, બેરોજગારી, દારૂ-ડ્રગ્સનો ખુલ્લેઆમ વેપાર, મોંઘુ શિક્ષણ, કથળતુ આરોગ્યતંત્ર અને કાયદો વ્યવસ્થા સહિતના મુદ્દે યાત્રા શરૂ કરવામાં આવશે. રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા નિમાયેલા નિરિક્ષકો, તમામ જિલ્લા પ્રમુખો, સ્થાનિક ધારાસભ્યો સાથે બુથ મેનેજમેન્ટ, મેનીફેસ્ટ્રો, કેમ્પેઈન, આંદોલનાત્મક કાર્યક્રમો સહિતના મુદ્દે ઝોન દીઠ વિશેષ મેરથોન બેઠક યોજાઈ હતી.