
રાજપીપળાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે નર્મદા જિલ્લાનો વિકાસ સારો એવો થયો છે. એક સમયે પછાત ગણાતા નર્મદા જિલ્લામાં અનેક ઉદ્યોગો આવતા રોજગારીમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં મોટી શૈક્ષણિક સંસ્થા નો અભાવ હોય જિલ્લાનું શિક્ષણ ધોરણ ખુબ નીચું જોવા મળી રહ્યું છે. ત્યારે નર્મદા કલેકટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા જિલ્લા પ્રસાશન ધ્વારા જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલની જેમ નર્મદા જિલ્લામાં પણ નાંદોદ તાલુકાના જીતગઢ, ચિત્રાવાડી કે ગરૂડેશ્વર તાલુકાના વઘરાલી ગામ સહિતના કુલ-3 સ્થળો પૈકી કોઇ એક સ્થળે હોસ્ટેલ સુવિધા સાથેની રેસિડેન્શીયલ નવી સૈનિક સ્કૂલનું નિર્માણ થાય તે દિશાનો સ્તુત્ય પ્રયાસ હાથ ધરાયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ નર્મદા જિલ્લાનો સમાવેશ અનુસૂચિત વિસ્તારોમાં તથા એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટમાં થયેલો હોઇ, આ જિલ્લામાં સૈનિક સ્કૂલની સ્થાપના કરવામાં આવે તો જિલ્લામાં શિક્ષણનું સ્તર અને તેની ગુણવત્તામાં પણ સુધારો થવાની સાથોસાથ એસ્પિરેશનલ જિલ્લાના શિક્ષણ સહિતના વિવિધ ઇન્ડીકેટર્સમાં પણ ગુણાત્મક ફેરફાર લાવી શકાય તેવી બાબતને નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહ ધ્વારા અગ્રતા આપીને નર્મદા જિલ્લામાં સૈનિક સ્કૂલના નિર્માણ માટે જરૂરિયાત મુજબની ઉક્ત દર્શાવ્યાં મુજબના ગામોની અંદાજે 40 એકરની સરકારી પડતર ખરાબાની જમીન ઉપલબ્ધિ સાથેની જરૂરી દસ્તાવેજી વિગતો સહિતની દરખાસ્ત રાજ્યના શિક્ષણ વિભાગને મોકલી આપવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, જિલ્લાનાં નાંદોદ તાલુકાના જીતગઢ ખાતે ટ્રાયબલ યુનિવર્સિટીની નજીક આવેલી સરકારી પડતર જમીન વધુ સમતળ હોઇ, જિલ્લામાં સૈનિક સ્કૂલની સ્થાપના માટે યોગ્ય જમીનની પસંદગી માટે જરૂરી કાર્યવાહી કરવા સરકારમાં અસરકારક રજૂઆત કરાઈ છે.