
સુરતમાં એક વ્યક્તિ પેટ્રોલપંપ સળગાવવાનો કર્યો પ્રયાસ,સીસીટીવીમાં વીડિયો રેકોર્ડ
સુરત :સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. લૂંટ અને હત્યા જેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે, ત્યારે હજુ અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. શહેરના મગદલ્લા રોડ પર આવેલા એક પેટ્રોલ પંપ પર એક ગંભીર ઘટના બની હતી. જેમાં અસામાજિક તત્વોએ પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે ઝઘડો કર્યો હતો. એટલું જ નહીં, ઉશ્કેરાયેલા આરોપીઓએ પેટ્રોલ ભરવાની નોઝલ કાઢી નીચે પેટ્રોલ છાંટ્યું હતું અને પેટ્રોલ પંપ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.
શહેરના મગદલ્લા વિસ્તારમાં પેટ્રોલ પંપ સળગાવવાનો પ્રયાસ કરાયો હતો. સોમેશ્વર ખાતે પેટ્રોલ ભરાવવા આવેલા ઈસમે નોઝરથી પેટ્રોલ નીચે ઢોળ્યું હતું અને પેટ્રોલ પંપના કર્મચારીઓ પર હથિયાર વડે હુમલો કર્યો હતો. પેટ્રોલ ભરાવા આવેલા ઈસમ સાથે કર્મચારીની સામાન્ય બોલાચાલી થઈ હતી. જે બાદ પેટ્રોલ ભરાવવા આવેલા શખ્સો ઉશ્કેરાયા હતા અને પેટ્રોલ પંપ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પેટ્રોલ પંપ પર સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. પોલીસે આરોપીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.