ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિ અનુસૂચિત જાતિનો દરજ્જો ગુમાવશે, સુપ્રીમ કોર્ટનો આદેશ
નવી દિલ્હી, 24 માર્ચ 2026: સુપ્રીમ કોર્ટે મંગળવારે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ વ્યક્તિ ધર્મ પરિવર્તન કરે છે, તો તે અનુસૂચિત જાતિ તરીકેનો પોતાનો દરજ્જો સંપૂર્ણપણે ગુમાવે છે. સર્વોચ્ચ અદાલતે આ મામલે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના અગાઉના ચુકાદાને યથાવત રાખ્યો છે. આંધ્રપ્રદેશ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવી લે છે અને તે ધર્મની રીત-રિવાજો મુજબ જીવન જીવે છે, તો તેને અનુસૂચિત જાતિના વ્યક્તિ તરીકે ગણી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે પણ આ તર્કને માન્ય રાખતા કહ્યું કે ધર્મ પરિવર્તન બાદ જાતિ આધારિત અનામત કે દરજ્જો ચાલુ રહી શકે નહીં.
અદાલતે અવલોકન કર્યું હતું કે વર્તમાન કાયદાકીય અને બંધારણીય જોગવાઈઓ મુજબ, માત્ર હિન્દુ ધર્મ, શીખ ધર્મ અને બૌદ્ધ ધર્મ સિવાયના અન્ય કોઈ પણ ધર્મને માનનાર વ્યક્તિ અનુસૂચિત જાતિના સભ્ય તરીકે માન્યતા મેળવી શકે નહીં. આ ચુકાદાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે જો કોઈ વ્યક્તિ ઈસ્લામ કે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે છે, તો તેને એસસી અનામતનો લાભ મળશે નહીં.
આ મામલો એવા વ્યક્તિ સાથે જોડાયેલો હતો જેણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હોવા છતાં એસસી પ્રમાણપત્રના આધારે લાભ લેવાનો પ્રયાસ કર્યો હતો. હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, ધર્મ બદલાતા સામાજિક દરજ્જો અને તે મુજબની અનામતની પાત્રતા પણ સમાપ્ત થઈ જાય છે. આ ચુકાદાની અસર આવનારા સમયમાં ધર્મ પરિવર્તન અને અનામતના દાવાઓ સાથે જોડાયેલા અનેક કેસો પર પડી શકે છે.


