
રાજકોટ: જન્માષ્ટમીના પર્વને બસ ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રાજકોટના ‘‘રસરંગ લોકમેળા’’ ને લઈને લાખો લોકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે, તો અનેક ઉદ્યમીઓ-વેપારીઓ અહીં રોજગારી મેળવે તેવુ આયોજન રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આજિવીકા વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે રાજ્યમાં કાર્યરત સખી મંડળની મહિલા કારીગરોને રોજગારી મળે તે માટે રાજકોટના લોકમેળાની સાથોસાથ ‘પ્રાદેશિક સરસ મેળા’નું આયોજન કરાયું છે.
મહિલાઓને રોજગારી મળે તે માટે જી એલ પી સી ગાંધીનગર દ્વારા ‘‘પ્રાદેશિક સરસ મેળા’’નું આયોજન રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાની સાથો સાથ જ કરવામાં આવ્યું છે, જે તા. 03 થી 09 સપ્ટેમ્બર દરમ્યાન રેસકોર્ષ મેદાન ખાતે યોજાશે.
આ મેળામાં કૂલ 60 સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક સ્ટોલ ધારકોને ટેબલ પંખા સામાન તથા ડિસ્પ્લેની વ્યવસ્થા આપવામાં આવી છે. તેમજ સખી મંડળના બહેનો દ્વારા જે ઉત્પાદિત વસ્તુઓ હોય તેનું વેચાણ અહીં સરસ મેળામાં કરવામાં આવશે આ માટે આપવામાં આવેલા સ્ટોલ નિશુલ્ક અપાયા છે.
આ મેળામાં હેન્ડીક્રાફ્ટ, મોતીના તોરણ, લોખંડના રમકડા, ડ્રેસ મટીરીયલ, ઈમિટેશન જ્વેલરી, ઓર્ગેનિક પ્રોડક્ટ, બામ્બુ આઈટમ, કચ્છની ટ્રેડિશનલ આઈટમ સહિતની અનેક વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. સેલ્ફી ઝોન, હેલ્પ ડેસ્ક તથા કંટ્રોલરૂમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દરેક સ્ટોલ ધારકોને માટે રહેવા જમવાની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા જ કરવામાં આવી છે.
આ અંગે આજીવિકા અધિકારી બસીયાએ કહ્યું હતું કે ગત વર્ષ મેળામાં 45 જેટલા સ્ટોલ હતા અને બધી બહેનોએ 29 લાખથી વધુની રકમનું વેચાણ કર્યું હતું. પરંતુ આ વખતે રાજકોટવાસીઓના સહયોગથી 50 લાખથી વધુના વેચાણની સંભાવનાની બસીયાએ આશા વ્યક્ત કરી હતી.