બિપરજોય વાવાઝોડાના સંકટ સામે અંબાજીમાં વિશેષ રક્ષા યજ્ઞ કરવામાં આવ્યો
અમદાવાદઃ બિપરજોય વાવાઝોડાના સંકટ સામે માનવ સહિત સમગ્ર જીવસૃષ્ટિ પરના તમામ જીવોની રક્ષા માટે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી સંચાલિત સંસ્કૃત પાઠશાળા અને પેટા મંદિરોના ભૂદેવો દ્વારા વિશેષ રક્ષા યજ્ઞ કરવામાં આવ્યો હતો. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીની સંસ્કૃત પાઠશાળા, 51શક્તિપીઠ ગબ્બરના બ્રાહ્મણો તથા પેટા મંદિરના પૂજારીઓએ આ રક્ષા યજ્ઞમાં વિશેષ આહુતિ આપી ગુજરાત પરથી આ સંકટ ટળી જાય તે માટે જગત જનની માં જગદંબાની ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. ત્યારબાદ અંબાજી મંદિરના સુવર્ણ શિખર ઉપર ધ્વજા આરોહણ કરી વિશ્વ કલ્યાણ તથા બિપરજોય વાવાઝોડા સામે ગુજરાત સહિત સમગ્ર ભારતની માતાજી રક્ષા કરે તેવી વિનવણી કરી હતી.
અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું જખૌ બંદર નજીક આજ રાતના 9થી 10 વચ્ચે ટકરાવવાની શકયતા છે. વાવાઝોડામાં મોટી જાનહાની ના સર્જાય તે માટે વહીવટી તંત્ર ખડેપગ છે અને અત્યાર સુધીમાં લગભગ 95 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હાલ તમામને સલામત સ્થળે રાખવામાં આવ્યાં છે. અસરગ્રસ્તો સહિત રાજ્યની જનતા પણ વાવાઝોડાને પગલે ઓછુ નુકશાન થાય તે માટે ભગવાનની સતત પ્રાર્થના કરી રહ્યાં છે. સુરક્ષાના કારણોસર દ્વારકા અને સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે. દરમિયાન ગુજરાતમાં ઉપરનું સંકટ ટળે તે માટે અંબાજીમાં વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ મા શક્તિના સ્વરૂપ અંબા માતાજીને પ્રાર્થના કરી હતી.