
અમદાવાદઃ શહેરમાં એએમટીએસ બસો પૂરફાટ ઝડપે દોડાવાતી હોવાને લીધે અકસ્માતનો બનાવો અવાર-નવાર બનતા હોય છે. ત્યારે શુક્રવારે એએમટીએસ બસે અકસ્માત સર્જીને વધુ એકનો ભોગ લીધો હતો. શહેરના મણિનગર વિસ્તારમાં ટ્યુશન જતી ઘોરણ 9ની વિદ્યાર્થિનીને AMTSની બસે અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ બનાવના સ્થળે પહોંચી હતી. જ્યારે મૃતકના પરિવારજનો બનાવના સ્થળે પહોંચતા જ કરુણ દૃશ્યો સર્જાયા હતા. આ સમગ્ર મામલે પોલીસે એમટીએસના ચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આ અકસ્માતના બનાવની એવી વિગતો જાણવા મળી છે કે, શહેરના મણિનગર વિસ્તારમાં રામબાગની જીવકોરબા સ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી અમાન્યા જીગ્નેશ જેઠવા નામની 14 વર્ષની વિદ્યાર્થિની ટ્યુશનમાં સાઈકલ લઈને જતી હતી. તે સમયે મણિનગરના જવાહર ચોક ભૈરવનાથ માર્ગ પર પૂરપાટ ઝડપે જતી AMTSની બસે તેને અડફેટે લીધી હતી. જેમાં બસનું આગલું ટાયર તેના પર ફરી વળતા ઘટનાસ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટ્યુશન કલાસીસમાં જાણ થતા શિક્ષક સહિત અનેક સાથી વિદ્યાર્થીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. અને મૃતકના પરિવારજનોને જાણ થતાં તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતા, જ્યાં કરુણ દૃશ્યો સર્જાયા હતાં. આ સાથે જ ટ્રાફિક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. વિદ્યાર્થિના મૃતદેહને PM માટે હોસ્પિટલ લઈ જઈને પોલિસે આગળની તપાસ હાથ ધરી છે
શહેરના નાગરિકોને જાહેર પરિવહનની સેવા પૂરી પાડતી એવી AMTS બસોને ખાનગી ઓપરેટરોને હવાલે કરાયા બાદ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. એએમટીએસની બસો પૂરફાટ ઝડપે દોડાવવામાં આવતી હોવાની ફરિયાદો પણ ઊઠી છે. એએમટીએસના સત્તાધિશો બસની સ્પીડ લીમિટ બાંધી દેવાની વાતો કરે છે પણ નિર્ણય ક્યારે લેવાશે તે નક્કી નથી. (File photo)