
બનાસકાંઠાના જસરામાં ત્રિ-દિવસીય અશ્વ-શોનું કરાયું આયોજન
અમદાવાદઃ બનાસકાંઠાના જસરા ખાતે તા. 9મી માર્ચથી તા. 11મી માર્ચ સુધી અશ્વ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ઉપરાંત પડોશી રાજ્ય રાજસ્થાનના અશ્વો સાથે તેમના ટ્રેનર ઉપસ્થિત રહેશે. 3 દિવસ સુધી ચાલનારા આ અશ્વ-શોમાં ગુજરાત પોલીસ અશ્વદળ દ્વારા દરરોજ ટેન્ટપેપિંગ અને જંપીંગના કાર્યક્રમ યોજવામાં આવશે.
લાખણી તાલુકાના જસરામાં અદ્રૈત સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શ્રી બુઠેશ્વર મહાદેવ મેળા સમિતિ અને બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા રાષ્ટ્રીય કક્ષાના આ 10માં મેગા અશ્વ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. બુઢેશ્વર મેળા સમિતિના અધ્યક્ષ મહેશભાઈ દવેના જણાવ્યા અનુસાર તા. 9મી માર્ચના રોજ એન્ડયુરન્સ અને ઉંટની હરિફાઈ યોજાશે. તા. 10મી માર્ચના રોજ રેવાળ- પાટીદોર અને નાચનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 11મી માર્ચના રોજ મહાશિવરાત્રીના દિવસે મારવાડી અશ્વ બ્રિડ શો (સુંદરતા)નું આયોજન કરવામાં આવ્યું છે. આ અશ્વ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.
કોરોના મહામારીને પગલે અશ્વ શોમાં સરકારની કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. અશ્વ-શોને લઈને બુઢેશ્વર મહાદેવ સમિતિ અને તંત્ર દ્વારા અશ્વ-શોને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
સમિતિ સાથે સંકળાયેલા અશ્વ પ્રેમી ભુપેન્દ્રભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આ શોમાં 600થી વધારે અશ્વ ભાગ લેશે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રના અશ્વ અહીં જોવા મળશે. આ ઉપરાંત મોટી સંખ્યામાં અશ્વ પ્રેમીઓ ઉપસ્થિત રહેશે.