
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નવેમ્બર કે ડિસેમ્બર-2022માં યોજાવાની છે. અને ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી ચૂંટણીની તારીખ પણ જાહેર કરવામાં આવી નથી. ત્યારે આમ આદમી પાર્ટીએ 10 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. અને બાકીની તમામ બેઠકોના ઉમેદવારોના નામ ચૂંટણી જાહેર થાય તે પહેલા જ જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને ચૂંટણીમાં પ્રચાર માટે પુરતો સમય મળી રહે તે માટે ઉમેદવારોના નામ વહેલા જાહેર કરવામાં આવ્યા હોવાનું પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું.
ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હવે ચાર-પાંચ મહિના બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ કરતાં સૌથી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા 10 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર, ચૂંટણીના ત્રણ મહિના પહેલાં ઉમેદવારો જાહેર થશે. આજે 10 ઉમેદવારની પહેલી યાદી જાહેર થઈ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો ઉપર ચૂંટણી લડશે. દસ જેટલા ઉમેદવારોની જાહેરાતો કરવામાં આવી છે ત્યારબાદ ધીરે-ધીરે તબક્કાવાર બીજા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. આમ આદમી પાર્ટી અને BTPનું ગઠબંધન છે, ત્યારે BTP જે સીટ પર ઉમેદવાર ઊભો રાખશે ત્યાં આમ આદમી પાર્ટી તેને સપોર્ટ કરશે. તમામ બેઠકમાંથી કઈ સીટ પરથી આમ આદમી પાર્ટી અને કઈ સીટ પર BTP લડશે, તે અંગે આગામી દિવસોમાં નિર્ણય કરાશે. અમે સંગઠનને મજબૂત કર્યું છે. બીજું લિસ્ટ પણ જલ્દી જાહેર કરવામાં આવશે.તમામ ઉમેદવારોને પૂરતો સમય મળે તેમજ મજબૂત રીતે કામ કરી શકે. તમામ એક એક નાગરિક સુધી પહોંચી શકે તેના માટે આ વહેલું લિસ્ટ જાહેર કરાયું છે. ચૂંટણીનું જાહેરનામું બહાર પડે તે પહેલાં જ તમામ ઉમેદવારો જાહેર થઈ જશે. અમે તૈયાર છીએ. કોંગ્રેસ તો હજી ચિંતનમાં છે અને છેલ્લા દિવસ સુધી આ જ કરશે પછી ભાજપ જોડે બેસી જશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી જ ચૂંટણી લડશે. અને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરશે નહીં, ચૂંટણી બાદ જ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરાશે, જ્યારે કોંગ્રેસમાં ચૂંટણી બાદ જ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરાશે. જોકે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીપદના ઉમેદવારનું નામ ચૂંટણી પહેલા જ જાહેર કરાશે. જેમાં ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવીના નામ ચર્ચાઈ રહ્યા છે.