
આપ’ના નેતા અને દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા વડોદરામાં શિક્ષકો સાથે કરશે સંવાદ
વડોદરાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં સત્તા મેળવવા માટેના મરણિયા પ્રયાસો શરૂ કર્યા છે. આમ આદમી પાર્ટી પાસે હાલ દિલ્હી અને પંજાબમાં સરકાર છે. જેમાં દિલ્હીમાં શિક્ષણ ક્ષેત્રે સારૂ કામ કર્યું હોવાથી હિલ્હીના શિક્ષણના મોડેલને રજુ કરવામાં આવી રહ્યું છે. આપના અગ્રણી અને દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા 3જી જૂને ફરીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને વડોદરામાં શિક્ષકો અને આચાર્ય સાથે વાર્તાલાપ કરવાના છે. બરોડામાં ‘એજ્યુકેશન ટાઉન હોલ’ નામે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મનીષ સિસોદિયા ગુજરાતની શિક્ષણ પ્રણાલીની સમસ્યાઓ જાણીને સમસ્યાઓ વિશે ચર્ચા કરશે.
આમ આદમી પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે, તેમ છતાં ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા ખૂબ જ ખરાબ હાલતમાં છે. ભાજપે ક્યારેય શિક્ષણ વ્યવસ્થા સુધારવામાં રસ દાખવ્યો નથી અને તેથી જ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા અત્યંત ખરાબ હાલતમાં છે. આજે ગુજરાતમાં 6000થી વધુ સરકારી શાળાઓ બંધ કરવામાં આવી છે અથવા તેને ખાનગી શાળાઓને સોંપવામાં આવી છે. જેના કારણે ગુજરાતમાં ગરીબ અને પછાત લોકોના બાળકો શિક્ષણથી દૂર રહી જાય છે. આજે ગુજરાતમાં આવી સેંકડો શાળાઓ છે જ્યાં કાં તો શિક્ષક નથી અથવા તો એક જ શિક્ષક આખી શાળા ચલાવી રહ્યા છે. ગુજરાતમાં શાળાના મકાનની જાળવણી સારી રીતે થતી નથી અને ઘણી જગ્યાએ જીવલેણ બિલ્ડીંગની અંદર શાળાઓ ચલાવવામાં આવી રહી છે.
આમ આદમી પાર્ટીના અગ્રણીએ વધુમાં જણાવ્યુ હતું કે, અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની સરકારમાં દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ દિલ્હીની સરકારી શાળાઓમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા છે. આજે દિલ્હીની સરકારી શાળાઓમાં AC, સ્વિમિંગ પૂલ, અત્યાધુનિક કોમ્પ્યુટર લેબ, અત્યાધુનિક લેબોરેટરી જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. જેના દ્વારા દિલ્હીની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ વિશ્વ કક્ષાનું શિક્ષણ મેળવી રહ્યા છે. દિલ્હીની સરકારી શાળાના શિક્ષકોને પણ તાલીમ માટે વિદેશ મોકલવામાં આવે છે. જ્યાંથી તે વધુ સારું શિક્ષણ આપવાની રીતો શીખવા આવે છે જેથી દિલ્હીની સરકારી શાળાના વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.