
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા કોવિડ હોસ્પિટલમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન મેડિકલ સ્ટાફની અછત ઉભી થઈ છે. ત્યારે કોવિડની સરકારી કામગીરીમાં નહીં જોડાનાર સુરેન્દ્રનગરમાં એમડી શંકર દત્તા સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા સરકારી હોસ્પિટલોમાં મેડિકલ સ્ટાફ 24 કલાક સતત ફરજ બજાવી રહ્યો છે. મેડિકલ સ્ટાફની અછતના કારણે મેડિકલના વિદ્યાર્થીઓની મદદ લેવામાં આવી રહી છે. દરમિયાન કેટલાક તબીબો પોતાને સોંપાયેલી કામગીરીથી દૂર રહેતા હોવાનું જાણવા મળે છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગધ્રાના એમડી ડોકટર શંકર એસ દત્તાને કોવીડ19ની કામગીરી સોપવામાં આવી હતી. પરંતુ ડોકટર શંકર દત્તા, અનેકવાર કહેવા છતા, કોવીડ19ની કામગીરીમાં જોડાતા નહોતા. જેથી આ અંગે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલના ડોકટર રમેશભાઈ ભલાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ડોકટર શંકર દત્તાની સામે ફરજમાં ગંભીર બેદરકારી- નિષ્કાળજી દાખવવા બદલ ગુનો નોંધીને તેમની ઘરપકડ કરી હોવાનું જાણવા મળે છે. સરકારના આદેશના પગલે, ડોકટર શંકર દત્તા વિરુધ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. શંકર દત્તા સામે મેડીકલ પ્રેકટીસ કરવા સામે પ્રતિબંધ મૂકવા અંગે પણ વિચારણા થઈ રહી હોવાની વિગત સામે આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના કેસ વધતા વિવિધ સામાજીક સંસ્થાઓએ પોતાની વાડી સહિતની જગ્યાઓ હંગામી ધોરણે કોવિડ હોસ્પિટલમાં ફેરવવા માટેની તૈયારી દર્શાવી છે. બીજી તરફ મેડિકલ સ્ટાફની અછત હોવાનું જાણવા મળે છે.