અમદાવાદઃ અદાણી પોર્ટસે કાર્ગો હેન્ડલ કરવાના મામલે ફરી એકવાર ઉત્કૃષ્ટ કામગીરી થકી વિક્રમ સર્જ્યો છે. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) દ્વારા જૂન મહિનામાં અત્યાર સુધીનો સૌથી વધુ 31.88 MT નો માસિક કાર્ગો હેન્ડલ કરવામાં આવ્યો હતો. 2022-23ના એપ્રિલ-જૂન દરમિયાન કાર્ગો શિપમેન્ટ વાર્ષિક ધોરણે 8% વધીને 90.89 મિલિયન ટન થયું છે. તેનાથી
વાર્ષિક ધોરણે 12 ટકાની (y-o-y) વૃદ્ધિ નોંધાઈ છે.
APSEZના જૂનના રેકોર્ડ આંકડાઓ જોતા કંપનીએ FY23ના Q1 – એપ્રિલથી જૂન 2022 દરમિયાન 90.89 મિલિયન મેટ્રિક ટન
(ક્વાર્ટરમાં અત્યાર સુધીનો સૌથી વધુ) કાર્ગો હેન્ડલ કર્યો હતો, જે અગાઉના ક્વાર્ટરની તુલનામાં 16 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ફ્રેઇટ
વોલ્યુમમાં કોવિડ પછીના મજબૂત ઉછાળાને કારણે વાર્ષિક ધોરણે 8 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. વૈશ્વિકસ્તરે વિવિધિકરણ ધરાવતા
અદાણી પોર્ટે અગાઉ ચાલુ નાણાંકીય વર્ષના અંત પહેલા 300 મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું પરિવહન કરવાનો વિક્રમ સર્જ્યો હતો.
કંપનીના જણાવ્યા પ્રમાણે કોલસાના જથ્થામાં વાર્ષિક ધોરણે 25%નો વધારો નોંધાયો છે, જ્યારે અન્ય મુખ્ય સેગમેન્ટ્સમાં ક્રૂડ અને
કન્ટેનરમાં અનુક્રમે 17% અને 6%ની માસિક વૃદ્ધિ જોવા મળી હતી. મોટાભાગની શિપમેન્ટનું સંચાલન મુન્દ્રા, હજીરા,
કટ્ટુપલ્લી-એનનોર અને દહેજમાં કરવામાં આવ્યું હતું.
અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન એ ભારતમાં સૌથી મોટુ કોમર્શિયલ પોર્ટ ઓપરેટર છે, જે સમગ્ર દેશની
ગતિવિધીઓમાં લગભગ એક ચતુર્થાંશ હિસ્સો ધરાવે છે. APSEZ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, જેવા 7 રાજ્યોમાં 13 સ્થાનિક બંદરો
ધરાવે છે.