
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાની ગાઈડ લાઈનના પાલન સાથે ધો. 1થી 9ની શાળાઓ શરૂ કરવા સરકાર વિચારી રહી છે. બીજીબાજુ શાળા સંચાલકો વાલીઓને બોલાવી શાળાઓ શરૂ કરવાના સંમતિ પત્રક આપવાના દબાણ કરવાની સાથે ચોથા ક્વાટરની ફી આપવા માટે પણ શાળા સંચાલકો ઉતાવળા બન્યાં છે. તે જોતાં સરકાર અને સંચાલકો ભેગા મળીને ઓફલાઈન શિક્ષણ વહેલી તકે શરૂ કરી વાલીઓ પાસેથી ફી ઉઘરાવવા માટેનો ખેલ કરી રહ્યાં હોય તેવું મનાઈ રહ્યું છે.
રાજ્યના મોટાભાગના શાળા સંચાલકોનું માનવું છે કે, ઓનલાઈનથી વિદ્યાર્થીઓને પુરતુ શિક્ષણ આપી શકાતું નથી. શાળાઓ ઘણા સમયથી બંધ હોવાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્ન ઊભો થયો છે. શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ વહેલી તકે શરૂ કરવું જોઈએ તે વિદ્યાર્થીઓના હિતમાં છે. શાળાઓ બંધ હોવા છતાં ખાનગી શાળાઓના ખર્ચમાં કોઈ ઘટાડો થયો નથી. શિક્ષકોના પગારથી લઈને તમામ ખર્ચાઓ યથાવત રહ્યા છે. એટલે ચોથા ક્વાટરની ફી વાલીઓએ વહેલી તકે ભરી દેવી જોઈએ. કેટલીક શાળાઓએ તો વાલીઓને રૂબરૂ બોલાવ્યા હતા અને ફી માટે કહ્યું હતું કે, બાળકો ઓનલાઇન અને ઓફલાઇન માધ્યમમાં ભણતા હોય પરંતુ ફી તો ભરવી જ પડશે. 50 ટકા વાલીની સંમિત મળશે તો સ્કૂલો ઓફલાઇન જ ચાલશે જેથી વાલીઓએ સંમિત આપવી પડશે.
શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર અત્યારે 1 થી 9 ધોરણની સ્કૂલો શરૂ કરવી એ ઉતાવળીયો નિર્ણય છે. હજુ બાળકોની વેક્સિન આવી નથી અને કેસ પણ મોટી સંખ્યામાં નોંધાઈ રહ્યાં છે. ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં સ્કૂલોમાં અનેક બાળકો સંક્રમિત થયા હતા. તે છતાં કોઈ દબાણના કારણે જ શિક્ષણમંત્રી સ્કૂલો શરૂ કરવા નિર્ણય કરી રહ્યા છે.
વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે હજુ કેસ વધુ છે માટે સ્કૂલો શરૂ કરવાનાં નિર્ણયમાં ઉતાવળ છે. હજુ 15 દિવસ સુધી રાહ જોવી જોઈએ અને કેસ ઘટવા દેવા જોઈએ. કેસ સંપૂર્ણ કાબુમાં આવે ત્યાર બાદ જ ઓફલાઇન સ્કૂલ શરૂ કરવી જોઈએ. સ્કૂલો પણ ફી માટે અત્યારે ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેશે. પરંતુ બાળકોના સ્વાસ્થ્યની જવાબદારી કોઈપણ સ્કૂલ તરફથી લેવામાં નહીં આવે.