
ધો.10 માં તમામ વિદ્યાર્થીઓને પ્રમોશન અપાતા ડિપ્લોમાં પ્રવેશ માથાના દુઃખાવારૂપ બનશે
રાજકોટઃ કોરોનાના લીધે ચાલુ વર્ષે ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. જેના પગલે આ વખતે ડિપ્લોમાં ઇજનેરી પ્રવેશ માટે ભારે ઘસારો રહેવાની શકયતા છે. ડિપ્લોમાની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માટે ડિપ્લોમાં પ્રવેશ સમિતિ દ્વારા દરેક કોલેજો પાસેથી વિગતો માંગવાનું શરૂ કર્યું છે.
ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાતા આ વખતે ડિપ્લોમાં ઇજનેરીમાં પ્રવેશ માટે ભારે ઘસારો થશે તે નક્કી છે. આ ઉપરાંત ડિપ્લોમાં કોલેજના સંચાલકોએ વિદ્યાર્થીઓની પ્રવેશની સરળતા રહે તે માટે માર્કશીટ આપવાની પણ માંગણી કરી છે. સરકાર દ્વારા કે ગુજરાત માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે કે નહી તે મુદ્દે હજુ સુધી કોઇ સ્પષ્ટતાં કરવામાં આવી નથી. હાલ સંચાલકો સરકાર દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તેની રાહ જોઇ રહ્યા છે.
આ સ્થિતિમાં ડિપ્લોમાં પ્રવેશ સમિતિ દ્વારા દરેક કોલેજોને એક મેઇલ મોકલીને વર્ષ 2021-22માં પ્રવેશની પ્રક્રિયા સરળતાથી થઇ શકે તે માટે આગામી તા.3 જૂન સુધીમાં ઓફિસર, પ્રિન્સિપાલ સહિતની જુદી-જુદી વિગતો ભરીને મોકલી આપવા તાકીદ કરવામાં આવી છે. આ મુદ્દે પ્રિન્સિપાલ કહે છે કે નિયમ પ્રમાણે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજયુકેશન દ્વારા કોલેજોને દર વર્ષે મંજૂરી આપવામાં આવતી હોય છે. જેમાં કેટલીક બેઠકો કાપવામાં કે કેટલીક બ્રાંચ બંધ કરવામાં આવે તેની વિગતો પણ જાહેર કરવામાં આવી છે. હજુ સુધી કાઉન્સીલની આ પ્રક્રિયા પૂર્ણ થઇ નથી. આ ઉપરાંત ડિપ્લોમાં પ્રવેશની પ્રક્રિયા જયાં સુધી માર્કશીટ કે પરિણામ કેવી રીતે આપવામાં આવશે તે નક્કી ન થાય ત્યાં સુધી કેવી રીતે પ્રવેશ આપવો તે પણ નક્કી કરી શકાય તેમ નથી. ચાલુ વર્ષે ડિપ્લોમાં ઇજનેરીમાં પ્રવેશ માટે ભારે ઘસારો રહેશે તે પણ નક્કી છે. ત્યારે આગોતરી વ્યવસ્થા કરવા માટે આ સૂચના આપવામાં આવી હોય તો પણ હાલની સ્થિતિમાં કોઇ નિર્ણય કરી શકાય તેમ નથી.