અફઘાનિસ્તાનની પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક, ઇસ્લામાબાદ-એબટાબાદમાં સૈન્ય ઠેકાણાઓ ધણધણ્યા
ઈસ્લામાબાદ, 27 ફેબ્રુઆરી 2026: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો સરહદી વિવાદ હવે પૂર્ણ કક્ષાના યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે સત્તાવાર જાહેરાત કરી છે કે શુક્રવારે સવારે અફઘાન વાયુસેનાએ પાકિસ્તાનની અંદર ઘૂસીને અનેક સૈન્ય મથકો પર ભીષણ હવાઈ હુમલા કર્યા છે. આ હુમલામાં પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીરના એડવાઈઝર આશિકનું મોત થયું હોવાના અહેવાલ છે.
અફઘાન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, શુક્રવારે સવારે 11 વાગ્યે અફઘાન ફાઈટર જેટ્સે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદના ફૈઝાબાદમાં આવેલા સૈન્ય કેમ્પને નિશાન બનાવ્યો હતો. આ ઉપરાંત અન્ય ત્રણ મુખ્ય સ્થળો પર પણ બોમ્બમારો કરવામાં આવ્યો છે. નૌશેરામાં આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તાર, જમરુદમાં સૈન્ય કોલોની અને એબટાબાદમાં પાકિસ્તાની સેનાના મહત્વના ઠેકાણા ઉપર એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. જેમાં ભારે નુકશાન થયાનું જાણવા મળે છે.
તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે ધમકીભર્યા સૂરમાં જણાવ્યું છે કે, “આ તો માત્ર શરૂઆત છે, અમે હવે પાકિસ્તાનના વધુ મોટા શહેરોને નિશાન બનાવીશું.” દરમિયાન અફઘાનિસ્તાનના આક્રમક વલણ સામે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે કહ્યું છે કે પાકિસ્તાનની ધીરજ હવે ખૂટી ગઈ છે અને બંને દેશો વચ્ચે હવે ખુલ્લા યુદ્ધ જેવી સ્થિતિ છે. અફઘાન હુમલાના જવાબમાં પાકિસ્તાની સેનાએ‘ઓપરેશન ગજબ લિલ હક’શરૂ કરવાની જાહેરાત કરી છે.
પાકિસ્તાન સરકારના પ્રવક્તા મોશર્રફ અલી ઝૈદીએ દાવો કર્યો છે કે પાકિસ્તાની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 133 તાલિબાની લડાયકો માર્યા ગયા છે અને 200થી વધુ ઘાયલ થયા છે. જોકે, પાકિસ્તાને તેના કોઈ સૈનિક પકડાયા હોવાની વાતનો ઇનકાર કર્યો છે.
આ પણ વાંચોઃ હોળી અને ધૂળેટીના પર્વમાં ઈમરજન્સી કોલ સામે 108 સેવાએ કરી વિશેષ વ્યવસ્થા


