
આફ્રિકન યુનિયન G-20નું કાયમી સભ્ય બન્યું, PM મોદીએ વિશ્વના નેતાઓની સામે કરી જાહેરાત
દિલ્હી : જી-20 સમિટ શરૂ થઈ ગઈ છે. આ સમિટ બે દિવસ એટલે કે 9 અને 10 સપ્ટેમ્બર સુધી ચાલશે. આજે પ્રથમ દિવસે વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓના વરિષ્ઠ નેતાઓ એક મંચ પર ચર્ચા કરી રહ્યા છે. આ સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ અને અન્ય દેશોના રાષ્ટ્રપતિઓ ભાગ લઈ રહ્યા છે.
એજન્ડામાં જળવાયુ પરિવર્તન, ઋણ, ખાદ્ય સુરક્ષા, ટકાઉપણું અને ભૌગોલિક રાજકીય તણાવ પર ચર્ચાનો સમાવેશ થાય છે. તે જ સમયે, ભારતે આ વર્ષની સમિટની થીમ ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ રાખી છે. તમામની નજર નેતાઓની સંયુક્ત જાહેરાત પર છે.
G-20માં કાયમી સભ્યપદ માટે આફ્રિકન યુનિયનને આમંત્રણ આપવામાં આવ્યું છે. PM એ કહ્યું કે, બધા સાથે એકજૂથ થવાની ભાવનામાં ભારતે પ્રસ્તાવ મૂક્યો હતો કે આફ્રિકન યુનિયનને G-20 નું કાયમી સભ્યપદ આપવામાં આવે. હું માનું છું કે અમે બધા આ પ્રસ્તાવ પર સહમત છીએ. તમારા બધાની સંમતિથી કાર્યવાહીની શરૂઆતથી આફ્રિકન યુનિયનને કાયમી સભ્યપદ માટે આમંત્રિત કરીએ છીએ.
આ સાથે પીએમ મોદીએ વિશ્વમાં ‘વિશ્વાસનું સંકટ’ ગણાવતા ‘સબકા સાથ, સબકા વિકાસ’નો મંત્ર આપ્યો. મોદીએ કહ્યું, આ તે સમય છે જ્યારે વર્ષો જૂના પડકારો આપણી પાસેથી નવા ઉકેલો માંગી રહ્યા છે. તેથી આપણે માનવ શાંતિના અભિગમ સાથે આપણી તમામ જવાબદારીઓ નિભાવીને આગળ વધવાનું છે. કોરોના પછી વિશ્વમાં એક મોટુંસંકટ વિશ્વાસના અભાવનું આવ્યું છે.
યુદ્ધે વિશ્વાસના આ સંકટને વધુ ઊંડું બનાવ્યું છે. જ્યારે આપણે કોવિડને હરાવી શકીએ છીએ, ત્યારે આપણે પરસ્પર વિશ્વાસ પર આવેલા આ સંકટ પર પણ જીત મેળવી શકીએ છીએ. આજે, G-20 ના પ્રમુખ તરીકે, ભારત સમગ્ર વિશ્વને આહ્વાન કરે છે કે આપણે સૌ પ્રથમ સાથે મળીને આ સંકટને વૈશ્વિક સ્તરે વિશ્વાસ અને ભરોસામાં ફેરવવું જોઈએ. આપણે બધાએ સાથે મળીને આગળ વધવાનો સમય આવી ગયો છે. એટલા માટે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસનો મંત્ર આપણા બધા માટે માર્ગદર્શક બની શકે છે.