T-20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં ઓછી ભૂલ કરનારી ટીમ જીતશેઃ અફરીદી
દિલ્હીઃ ટી-20 વર્લ્ડ કપના કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભારત અને પાકિસ્તાનની મેચ 24 ઓક્ટોબરના રોજ રમાશે. આ મેચની દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ભારત ટી-20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત આ મેચથી જ શરૂ કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી હાઈવોલ્ટેજ મેચને લઈને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફરીદીએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. અફરીદીએ કહ્યું હતું કે, બંને ટીમ વચ્ચેની આ મેચ હાઈ પ્રેશરવાળી હશે. જે ટીમ સારી રીતે પ્રેશરને હેન્ડલ કરી શકશે તેની જીતની સંભાવના વધારે છે.
પાકિસ્તાનના પૂર્વ વિસ્ફોટક બેસ્ટમેન અફરીદીએ એક ચેનલ સમક્ષ કહ્યું હતું કે, ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશા હાઈપ્રેશર વાળી જ હોય છે અને જે ટીમ તેને સારી રીતે હેન્ડલ કરે છે તેની જીત થાય છે. જે ટીમ ઓછી ભૂલ કરશે તેની પાસે જીતવાનો ચાન્સ વધારે રહેશે. વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારતનો રેકોર્ડ સારો રહ્યો છે. બંને ટીમ વર્લ્ડકપમાં 12 વાર સામે સામે આવી ચૂકી છે. આ તમામ મેચમાં ભારતની જીત થઈ છે.
વન-ડે વર્લ્ડકપમાં બેને ટીમ સાત વાર સામ-સામે આવી છે. જ્યારે ટી-20 વર્લ્ડકપમાં બંને ટીમ 5 વાર ટક્કર જોવા મળી છે. ભારત અને પાકિસ્તાનની ટીમ બે વર્ષ બાદ મેદાનમાં સાથે જા મળશે. જૂન 2019માં વન-ડે વર્લ્ડકપમાં બંને ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. ત્યારે ભારતે પાકિસ્તાનને 89 રને હાર આપી હતી. આગામી ટી-20 વર્લ્ડકપમાં પસંદ કરાયેલી ભારતીય ટીમના ખેલાડીઓ હાલ યુએઈમાં છે અને આઈપીએલ-2021માં ભાગ લઈ રહ્યાં છે.