બિહાર બાદ હવે બંગાળમાં ભાજપના વિજયનો માર્ગ સાફ: PM મોદી
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા અને પ્રવાસમાં શનિવારે કુદરતી અવરોધ સર્જાયો હતો. ભારે ધુમ્મસને કારણે વડાપ્રધાનનું હેલિકોપ્ટર તાહેરપુરમાં લેન્ડ થઈ શક્યું નહોતું. જોકે, વડાપ્રધાને જનતાને નિરાશ ન કરતા મોબાઈલ ફોન દ્વારા જ સભાને સંબોધિત કરી હતી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) તથા મમતા બેનર્જીની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
વડાપ્રધાને પોતાના વક્તવ્યમાં બિહાર ચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, “ગયા મહિને બિહારની જનતાએ વિકાસ માટે NDA સરકારને પ્રચંડ વિજય અપાવ્યો છે. ગંગાજી બિહારથી વહીને બંગાળ સુધી પહોંચે છે અને બિહારના પરિણામોએ બંગાળમાં પણ ભાજપના વિજયનો માર્ગ મોકળો કરી દીધો છે. બિહારે જે રીતે જંગલરાજને નકાર્યું છે, તેવી જ રીતે હવે બંગાળને ‘મહાજંગલરાજ’ માંથી મુક્તિ જોઈએ છે.”
PM મોદીએ બંગાળની જનતાને આહ્વાન કરતા કહ્યું કે, આજે બંગાળનો ખૂણેખૂણો એક જ વાત કહી રહ્યો છે- “બાંચતે ચાઈ, બીજેપી તાઈ” (બચવું છે, માટે ભાજપ જોઈએ છે). તેમણે લોકોને એકવાર ભાજપને તક આપવા વિનંતી કરતા કહ્યું કે, રાજ્યના વિકાસ માટે ‘ડબલ એન્જિન’ની સરકાર હોવી અનિવાર્ય છે. તેમણે આરોપ લગાવ્યો કે વર્તમાન સરકાર માત્ર કમિશન લેવામાં વ્યસ્ત છે, જેના કારણે હજારો કરોડના પ્રોજેક્ટ્સ લટકેલા છે.
વડાપ્રધાને ટીએમસીના અસલી ચહેરાને ખુલ્લો પાડતા જણાવ્યું હતું કે, “જે લોકો ‘ગો બેક મોદી’ ના નારા લગાવે છે, તેઓ ઘૂસણખોરો સામે મૌન સેવે છે. ટીએમસી ઘૂસણખોરોને બચાવવા માટે જ SIR નો વિરોધ કરી રહી છે. તમે મોદીનો વિરોધ કરો તેની સામે મને વાંધો નથી, પરંતુ જનતાના સપનાઓને ચૂર-ચૂર કરવાનું પાપ ન કરો.” તેમણે અંતમાં રાજ્યની પ્રબુદ્ધ જનતાને અપીલ કરી હતી કે બંગાળના કલ્યાણ અને પરિવર્તન માટે આ વખતે ભાજપને વિજયી બનાવે.


