
કોંગ્રેસમાં જૂથવાદ આવ્યો સામેઃ યુથ કોંગ્રેસની બેઠકમાં થયેલી બબાલ મામલે છ લોકોને કારણદર્શક નોટિસ
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી જૂથવાદ ચાલી રહ્યો હોવાની અટકળો થઈ રહી છે. દરમિયાન યુથ કોંગ્રેસની બેઠકમાં થયેલી બબાબ મામલે 6 લોકોને કારણદર્શન નોટિસ પાઠવવામાં આવી હતી. જ્યારે યુથ કોંગ્રેસના ઉપ પ્રમુખ અને યુથ કોંગ્રેસ સેક્રેટરી ઘટનાની અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સમગ્ર મામલો દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ પહોંચતા ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખને દિલ્હીથી તેડું આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર યુથ કોંગ્રેસમાં 35 વર્ષની વય મર્યાદા હોવા છતા 35 વર્ષથી વધુની વયના નિખિલ સવાણી જૂથના નેતાઓને યુથ કોંગ્રેસના પ્રમુખ બનવાની છૂટ અપાઇ હતી જેને લઈ યુથ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જૂથના નેતાઓમાં અસંતોષ ફેલાયો હતો. તેમજ સવાણી અને રાજપુત જૂથના નેતાઓ વચ્ચે બબાલ થઈ હતી જેમાં સવાણી-વિશ્વનાથ વાઘેલાને ગુલાબસિંહ રાજપુત જૂથના યુવા નેતાઓએ લાફા ઝીંકી દીધો હતો.
ગુજરાત કોંગ્રેસમાં થયેલી આ બબાલનો મામલો દિલ્હી સુધી પહોંચતા ઈન્ડિયન યુથ કોંગ્રેસ પ્રમુખે 6 લોકોને કારણદર્શન નોટિસ પાઠવી હતી. પ્રવિણ વણેલ, ઉપેન્દ્રસિંહ જાડેજા, અર્નિશ મિશ્રા, તેમજ કરણસિંહ તોમર સહિત નિખિલ સવાણી અને વિશ્વનાથ વાઘેલાને નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખને દિલ્હીથી તેડું આવતા તેઓ દિલ્હી પહોંચ્યા હતા અને પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતને ખુલાસો કરવો પડ્યો હતો. આ ઉપરાંત યુથ કોંગ્રેસના ઉપ પ્રમુખ અને યુથ કોંગ્રેસ સેક્રેટરીને ઘટનાની અસરથી સસ્પેન્ડ કરી દેવામાં હોવાનું જાણવા મળે છે.