
અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીના કિનારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજે તા. 26મી ડિસેમ્બરથી તા. 30 ડિસેમ્બર સુધી નદી મહોસ્તવનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરમતી નદીના કિનારે સફાઈ, દેશભક્તિ, પાકૃતિ-પર્યાવરણ અને ભક્તિ-આધ્યાત્મિકતાની થીમ ઉપર ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગ્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા રિવર ઓફ ઈન્ડિયાની થીમ ઉપર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ કાર્યક્રમ હેઠળ ગુજરાત સરકાર દ્વારા સાબરમતી નદીના કિનારે નદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 26 ડિસેમ્બરે સવારે 9 થી સાંજના કલાક સુધી વાસણા બેરેજ અને નદીની સાફસફાઇ અને તેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે. 27 ડિસેમ્બરે સવારે 6 કલાકે સાબરમતી રીવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડીથી મેરેથોન દોડ યોજાશે. સાંજે 4:00 થી 6:30 વાગ્યા સુધી ચિત્ર સ્પર્ધા, સંવાદ, ડીબેટસ્પર્ધા, થીમેટિક પ્રદર્શન યોજાશે. 28 ડિસેમ્બરે સાબરમતી રીવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે સવારે 6 થી 8 દરમિયાન યોગા, મેડીટેશન યોજાશે અને સાંજે 4:00 થી 6:30 કલાક સુધી સ્ટોરી ટેલીંગ, સાંસ્કૃતિક નૃત્ય યોજાશે. 29 ડિસેમ્બરે ઇન્દ્રોડા પાર્ક, ગાંધીનગર ખાતે સવારે 7:00 થી 10:30 કલાક સુધી નેચરવોક, વનસ્પતિ તથા પ્રાણી સૃષ્ટિનું નિદર્શન અને સંત સરોવર ખાતે 10:30 થી 12:00 કલાક દરમિયાન વૃક્ષારોપણ કરવામાં આવશે અને સમાપનના દિવસે 30 ડિસેમ્બરે સાંજે જગન્નાથ મંદિર નજીક સાબરમતી નદીની પૂજા, મશાલ, દીપોત્સવ કરવામાં આવશે.
નોંધપાત્ર છે કે ગુજરાતમાં 3 મોટી નદીઓ પર નદી મહોત્સવ ઉજવવાનું આયોજન છે. જેમાં સાબરમતીનાં તટ પર અમદાવાદ ખાતે, નર્મદા નદીના તટ પર ગરૂડેશ્વર અને ભરૂચ ખાતે તેમ જ તાપી નદીનાં તટ પર સુરત ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે.