
અમદાવાદઃ જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેના હસ્તે પાકિસ્તાનથી આવેલા 17 હિન્દુ શરણાર્થીઓને નાગરિકતાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.પાકિસ્તાનથી ઘણાબધા હિન્દુ શરણાર્થીઓ આવતા હોય છે. અને નિયમ મુજબ કલેકટરને અરજી કર્યા બાદ આવા શરણાર્થીઓની ચાલચલગત તપાસીને તેમને ભારતની નાગરિકતા આપવામાં આવતા હોય છે. 17 નાગરિકોને નાગરિકતા અપાતા તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. અને સરકારનો આભાર માન્યો હતો.
આ અવસરે જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ લાભાર્થીઓ સાથે ભાવપૂર્ણ સંવાદ સાંધ્યો અને તેમણે લાભાર્થીઓને શિક્ષણ અને કારકિર્દી સંબધિત પ્રશ્નો પૂછ્યા હતા અને સાંત્વના આપી હતી. અહીં ઉપસ્થિત રહેલા લાભાર્થીઓએ નાગરિકતા પત્ર આપવાની પ્રક્રિયામાં અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રની અધિકારીઓએ દાખવેલી ત્વરા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. નાગરિકતા અધિનિયમ પ્રમાણે 7 વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે. આ વેળાએ અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યા અને અગ્રણી મેઘરાજભાઈ તેમજ રાજેશભાઈ મહેશ્વરી સહિતના મહાનુભાવો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ શરણાર્થીઓના સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવે છે. જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2016 અને 2018ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાની લધુમતિ ધરાવતા (હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી) ધર્મના લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવામાં આવે છે.