
અમદાવાદ કોર્પોરેશન ચૂંટણીઃ રાજકીય નેતાઓ અને કલાકારોએ કર્યું મતદાન
અમદાવાદઃ કોર્પોરેશનના 48 વોર્ડ માટે સવારથી મતદાન ચાલી રહ્યું છે. ભાજપના નેતાઓએ સવારે જ મતદાન કર્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો તથા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકાર મયુર વાકાણી સહિતના આગેવાનોએ લોકશાહીના આ પર્વમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં કોંગ્રેસ ધારાસભ્ય હિંમતસિંહે મતદાન કર્યું હતું. તેમજ પ્રજા હવે પરિવર્તન ઈચ્છતી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અમી યાજ્ઞિકે સહજાનંદ કોલેજ ખાતે મતદાન કર્યું કર્યું હતું. તેમજ તેમણે કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના જીતનો દાવો કરીને ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પરિવારજનો સાથે મતદાન કર્યું હતું.
અમદાવાદ શહેરના પૂર્વ મેયર બિજલબેન પટેલ અને રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિ કરતા સાંસદ નરહરિ અમીન સહિતના ભાજપના આગેવાનોએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમજ તમામ કોર્પોરેશનમાં ભાજપની જીતનો ભાજપના નેતાઓએ દાવો કર્યો હતો.
ટીવી કલાકાર મયુર વાંકાણીએ પણ પરિવાર સાથે મતદાન કર્યું હતું. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સુંદર મામાનું કેરેકટર ભજવીને ઘરે ઘરે જાણીતા બનેલા મયુર વાકાણીએ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.
શહેરના થલતેજ વિસ્તારમાં લગ્ન પૂર્વ વરરાજા અને તમના પરિવારજનો મતદાન કરવા માટે મતદાન મથક પહોંચ્યાં હતા. તેમને જોઈને મતદારો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઘાટલોડિયામાં 78 વર્ષના શિવચરણ વર્માએ મતદાન કર્યું છે. તેઓ વોકર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. શિવચરણ વર્મા દરેક ચૂંટણીમાં અચૂક મતદાન કરે છે.