
અમદાવાદઃ 12 દિવસમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 9 ગણો વધ્યો
અમદાવાદઃ ગુજરાતની હેરિટેજ સિટી અમદાવાદમાં દરરોજ હજારોની સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદમાં આવતા રાજ્યનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. શહેરમાં 12 દિવસના સમયગાળામાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો લગભગ ટકા જેટલો વધ્યો છે. હાલ શહેરમાં 17 હજાર જેટલા એક્ટિવ કેસ હોવાનું જાણવા મળે છે.
ગુજરાત સરકાર કોવિડ ડેશબોર્ડની માહિતી મુજબ અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસ 1લી જાન્યુઆરીના રોજ લગભગ 1903 કેસ હતા. જ્યારે 12મી જાન્યુઆરીના રોજ આ આંકડો વધીને 17900થી વધારે એક્ટિવ કેસ સામે આવ્યાં છે. આમ શહેરમાં એક્ટિવ કેસનો આંકડો લગભગ 9 ગણો વધારે હોવાનું જાણવા મળે છે. અમદાવાદ શહેરમાં હાલ 180 જેટલા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન છે. જેમાં મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ દર્દીઓ હોમ આઈસોલેટ છે.
અમદાવાદમાં તા. 1લી જાન્યુઆરી બાદ પોઝિટિવ કેસમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. શહેરમાં પોઝિટિવ કેસ માટે સઘન સર્વે ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી રહી છે. મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ટેસ્ટીંગ ડોમ ઉભા કરાયાં છે. આ ઉપરાંત હવે ખાનગી લેબ સાથે મળીને આરટીપીસીઆર ટેસ્ટ વધારવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.