
અમદાવાદઃ ઓવરસ્પીડિંગ મામલે એક વર્ષમાં 500થી વધારે વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયાં
અમદાવાદઃ ઈસ્કોન ઓવરબ્રિજ ઉપર સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને ઓવરસ્પીડ અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન એક વર્ષના સમયગાળામાં અમદાવાદમાં 1000થી વધારે વાહન ચાલકોના સાયસન્સ આરટીઓ દ્વારા સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળે છે. જે પૈકી 500થી વધારે વાહન ચાલકો સામે ઓવરસ્પીડ સબબ કાર્યવાહી કરવામાં આવી હતી.
આધારભૂત સુભોના જણાવ્યા અનુસાર એક વર્ષના સમયગાળામાં એક હજાર જેટલા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ઓવર સ્પીડિંગ સબબ 500 વાહન ચાલકો ઉપરાંત, દારૂ પીને વાહન હંકારવા મુદ્દે 50, અકસ્માત મામલે 200 અને ભયજનક રીતે વાહન હંકારવા મામલે 125 અને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવા સંદર્ભે 15 ચાલકોના લાયસન્સ 3થી 6 મહિના સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. સસ્પેન્ડ કરાયેલા લાયસન્સધારકો પૈકી 80 ટકા કારચાલક હોવાનું જાણવા મળે છે. તંત્ર દ્વારા કોઈ લાયસન્સ લાઇફટાઈમ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું નથી. રદ થયેલાં 1 હજાર લાઇસન્સમાંથી 703 સુભાષબ્રિજ આરટીઓના, 225 વસ્ત્રાલ આરટીઓના અને 75 બાવળા આરટીઓના હોવાનું જાણવા મળે છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિકના યોગ્ય નિયમન માટે વિવિધ વિસ્તારમાં સીસીટીવી કેમેરા ઈસ્ટોલ કરવામાં આવ્યાં છે. ટ્રાફિકના નિયમોનું ભંગ કરનાર વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા ઈ-ચલણ મોકલવામાં આવી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તથ્ય પટેલ પ્રકરણ બાદ શહેર પોલીસ દ્વારા ઓવરસ્પીડિંગ કરનાર વાહન ચાલકો સામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં આડેધડ પાર્કિંગ કરનાર વાહન ચાલકો સામે પોલીસ ઉપરાંત એએમસી દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.