
અમદાવાદઃ શહેરમાં આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલભદ્રજી સાથે નગર ચર્ચાએ નીકળ્યાં હતા. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાનની મંગળા આતરી કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહિંદ વિધી કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. રથયાત્રા દરમિયાન ભક્તોની ભીડ એકત્ર ના થાય તે માટે રૂટમાં આવતા વિસ્તારોમાં કર્ફ્યુનો અમલ કરવામાં આવ્યો હતો. ભગવાનના રથ સરસપુર પહોંચ્યા બાદ ત્યાં ભગવાનનું મામેરુ કરવામાં આવ્યું હતું. ગણતરીની મિનિટોના રોકાણબાદ રથ મંદિર જવા નીકળ્યાં હતા. તેમજ સવારે 11 વાગ્યાની આસપાસ ભગવાનનો રથ મંદિર પહોંચ્યો હતો. પોલીસ કમિશનરે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા શહેરીજનોનો આભાર માન્યો હતો.
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાની પરંપરાગત વિધિઓ વહેલી સવારે 4 વાગ્યાથી શરૂ થઈ છે. ભગવાન જગન્નાથજીની વહેલી સવારે ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં હાજર રહ્યા હતા. તેમની સાથે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ મંગળા આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. તેમની સાથે નીતિન પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના લોકો હાજર રહ્યાં હતાં. રથયાત્રામાં ભક્તોમાં પ્રસાદ વિતરણ પર રોક હતી જો કે કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે ભગવાનનાં આશિર્વાદ તરીકે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલા પણ ભગવાનનાં રથને માસ્ક પહેરાવવામાં આવ્યું હતું. સરસપુરમાં ભગવાનના મોસાળ ખાતે રથયાત્રા થોડો સમય જ રોકાઈને રવાના થઈ ગઈ હતી. સરસપુરમાં દર વર્ષની જેમ યોજાતા ભોજન પ્રસાદ પર પણ પ્રતિબંધ લગાવાયો હતો જેને લઈ ને પ્રભુ જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રાના દર્શન ભક્તોએ માત્ર ટીવી પર જ કર્યા હતા.
ખલાસી ભાઈઓ અને પોલીસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના ત્રણેય રથને ફૂલ સ્પીડમાં અમદાવાદના રાજમાર્ગો પર દોડાવ્યા. અમદાવાદમાં ભગવાનની 144મી રથયાત્રા ખરા અર્થમાં ઐતિહાસિક બની રહી. કોરોના કાળમાં કર્ફ્યૂના એલાનને અમદાવાદના ગીચ એવી પોળ વિસ્તારના લોકોએ જડબેસલાક સમર્થન આપ્યું. રથયાત્રા રૂટ પરના મકાનના લોકોએ પોત-પોતાના ઘરની બારી કે અગાસીમાંથી હર્ષભેર પ્રભુના દર્શનનો લ્હાવો માણ્યો. 144મી રથયાત્રામાં ભક્તોને અનેક ચીજવસ્તુઓની ખોટ સાલી, ન ભજન મંડળીઓના સૂર સંભળાયા, ન અખાડાના કરતબ જોવા મળ્યાં કે ન તો માર્ગો પર શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી. જ્યાં જુઓ ત્યાં માત્ર સુરક્ષા જવાનોનો જડબેસલાક બંદોબસ્ત દેખાયો. કોરોનાની કડક ગાઈડ લાઈન મુજબ જ રથયાત્રા યોજવી અને 23 હજાર પોલીસ કર્મીઓનાં પહેરા વચ્ચે જગતનાં નાથ જગન્નાથની રથયાત્રા આખરે સંપન્ન થઈ હતી.