
અમદાવાદ મ્યુનિના પદાધિકારીઓને સમય મળતો નહતો એટલે કોંગ્રેસે સ્પોર્ટ્સ પાર્કનું ઉદઘાટન કર્યું
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ બંને તરફ સ્પોર્ટસ પાર્ક બનાવવામાં આવ્યા છે. છેલ્લા એક મહિનાથી આ સ્પોર્ટ્સ પાર્ક બનીને તૈયાર હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોને સ્પોર્ટ્સ પાર્કનું ઉદઘાટન કરવાની ફુરસદ મળતી નહતી. અને લાખો રૂપિયાના સ્પોર્ટ્સના સાધનો ધૂળ ખાઈ રહ્યા હતા.તેથી આજે વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે કોંગ્રેસના અન્ય કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઓ સાથે પાલડી એનઆઈડી પાસે બનેલા સ્પોર્ટ્સ પાર્કને ખુલ્લું મૂક્યું હતું. વિપક્ષી નેતાએ જાતે રીબીન કાપી અને ત્યાં મુકવામાં આવેલા સાધનો પર બેસી કસરત કરી અને કોમ્પ્લેક્ષ ખુલ્લું મૂક્યું હતું.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાને જણાવ્યું હતું કે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે અંદાજે 24 કરોડથી વધુના ખર્ચે બનાવેલા 2 સ્પોર્ટ્સ પાર્ક મહિનાથી તૈયાર હોવા છતાં મ્યુનિના ભાજપના નેતાઓ પાસે ઉદ્ઘાટન કરવાનો સમય નહીં હોવાના કારણે ધૂળ ખાઈ રહ્યા હતા. આજે યુવાઓની લાગણીને માન આપી કોંગ્રેસ દ્વારા સ્પોર્ટ્સ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.કોર્પો. દ્વારા રમત-ગમતમાં રસ ધરાવતા લોકોને મનોરંજન મળી રહે તેમજ ભવિષ્યમાં અમદાવાદમાં મોટા સ્પોર્ટ્સ આયોજનને ધ્યાનમાં લઈ શહેરના રિવરફ્રન્ટ પર પૂર્વમાં શાહપુર પાસે અને પશ્ચિમમાં પાલડી NID પાછળ એમ બે સ્પોર્ટસ પાર્ક ઊભા કરાયા છે. અંદાજે રૂ. 24 કરોડના ખર્ચે વિવિધ રમતોનો સમાવેશ કરતું રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક તૈયાર કરાયું છે. છેલ્લા બે મહિનાથી ભાજપના સત્તાધીશો ફિનિશીંગ કામ બાકી હોવાના બહાને આ સ્પોર્ટ્સ પાર્ક શરૂ કરતાં ન હતા. જો કે ખરેખર આ સ્પોર્ટ્સ પાર્ક ચલાવવા માટે ભાજપના નેતાઓમાં પોતાના માનીતાને કોન્ટ્રાકટ આપવા માટેની ખેંચતાણ ચાલતી હતી. પણ આજે વિપક્ષે આ સ્પોર્ટ્સ પાર્ક શરૂ કરી અને લોકો માટે ખુલ્લું મુક્યું હતું.