
અમદાવાદઃ શહેરમાં ગત રવિવારે ભારે વરસાદ પડ્યા બાદ સપ્તાહ દરમિયાન સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. શહેરમાં ગુરૂવારે સરેરાશ એક ઇંચ વરસાદ પડ્યો હતો. ત્યારે ફરી શુક્રવારે સાંજ બાદ ત્રણ કલાકમાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. સાંજે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. શહેરમાં પ્રથમ દોઢ કલાકમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.શહેરના સુભાષ બ્રિજ જેલના ભજીયાની દુકાન પાસે રોડ બેસી જતાં એસટી બસ ફસાઈ ગઈ હતી. અડધા કલાક સુધી બસ ખાડામાં ફસાઈ જતાં મુસાફરો હેરાન પરેશાન થયાં હતાં.
અમદાવાદ શહેરમાં શુક્રવારે સાંજે 6 વાગ્યા બાદ વરસાદ શરૂ થયો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં ત્રણ કલાક ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ત્રણ કલાકમાં સરેરાશ એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. શહેરના વાડજ, ઇન્કમટેક્સ, આશ્રમ રોડ, દૂધેશ્વર, શાહપુર, દરિયાપુર, માધુપુરા, દિલ્હી દરવાજા સહિતના વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વિરાટનગર, ઓઢવ, નિકોલ, નરોડા, કઠવાડા, મણીનગર. વટવા, મેમ્કો, કોતરપુર, સરદારનગર, નોબલનગર, નારોલ, બોપલ, સરખેજ, જુહાપુરા, સાબરમતી, ચાંદખેડા, સુભાષ બ્રિજ સહિતના વિસ્તારમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. બાકીના વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડ્યા હતા.
ગુજરાતમાં હજુ 2 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. તેમજ ડાંગ, નવસારી, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. તેમજ સાબરકાંઠા, અરવલ્લી અને કચ્છમાં વરસાદની સંભાવના છે. જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, નવસારી, ડાંગ અને અમરેલી જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, વલસાડ, દમણ, સુરત અને તાપીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. શનિવારે ડાંગ, નવસારી, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, ભરૂચ, રાજકોટ અને જામનગરમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.