
અમદાવાદઃ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારી સહિત બેની લાંચ કેસમાં ધરપકડ
અમદાવાદ: ગુજરાતમાં ભ્રષ્ટાચારને નાથવા માટે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એટલે કે એસીબીએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન શહેરના સરખેજ વિસ્તારમાં અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના અધિકારી અને તેમના મળતિયાને એસીબીએ રૂ. 1.35 લાખની લાંચ લેતા ઝડપી લીધા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર પી .બી.એમ. મુજબના અટકાયતી પગલા નહીં લેવાના અવેજ પેટે તેમજ માસિક હપ્તા પેટેના અન્ન અને નાગરીક પુરવઠાની ઝોનલ કચેરી, સરખેજના ઝોનલ અધિકારી ભુપેન્દ્ર ચૌધરીના નામે તેમના મળતિયા અબ્દુલ રઝાક ઉર્ફે રાજુ દિલાવર ચૌહાણે એક વ્યક્તિ પાસેથી રૂ. 1.65 લાખની માંગણી કરી હતી. અંતે રૂ. 1.35 લાખ આપવાનું નક્કી કરાયું હતું.
આ અંગે તેમણે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી એસીબીએ લાંચનું છટકુ ગોઠવ્યું હતું. એસીબીએ સમગ્ર પ્રકરણમાં ભુપેન્દ્ર ચૌધરી તથા અબ્દુલ રઝાક ઉર્ફે રાજુ ચૌહાણની પાલડી ખાતેથી ધરપકડ કરી હતી. એસીબીએ અધિકારીના નિવાસ સ્થાન અને ઓફિસમાં તપાસ કરવામાં આવી હતી. તેમજ સમગ્ર ઘટના અંગે ઉંડાણપૂર્વકની તપાસ આરંભી હતી.