
અમદાવાદઃ મતદારો ઉપર પુષ્પ વર્ષા અને ઢોલ-નગારા સાથે અનોખી રીતે મતદાન કરાયું
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે સવારથી ચાલી રહ્યું છે. અમદાવાદ શહેર અને જિલ્લાની 21 જેટલી બેઠકો ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન મણિનગર અને ઘોડાસરમાં કેટલાક મતદારો ઢોલ-નગારા સાથે અને અન્ય મતદારો ઉપર ફુલ વર્ષા કરીને મતદાન કરવા માટે મતદાન મથક પહોંચ્યાં હતા.
શહેરના મણિનગર અને ઘોડાસર વિસ્તારમાં લોકો ઢોલ-નગારા સાથે સામુહિક મતદાન કરવા માટે મતદાન મથક પહોંચ્યાં હતા. મણિનગરના ગોરના કુવા વિસ્તારમાં આવેલી શ્રીરંગ હાઈટ્સ અને વિજયપાર્કના રહીશો અન્ય મતદારો ઉપર ફુલ વર્ષા કરતા અને ઢોલ-નગારા સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન કેન્દ્ર પહોંચ્યાં હતા. તેમજ તેમણે અન્ય મતદારોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી.
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી બાદ આજે સવારથી જ બીજા તબક્કાનું મતદાન શરૂ થયું હતું. અદાવાદ શહેર અને જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. દરમિયાન અમદાવાદ શહેર અને જિલ્લામાં 3 કલાકના સમયગાળામાં લગભગ 16 ટકા જેટલું મતદાન થયું હતું.