1. Home
  2. ગુજરાતી
  3. વર્ષ 2025-26 સુધીમાં રાજકોષીય ખાધને જીડીપીના 4.5 ટકાથી નીચે લાવવાનો ઇરાદોઃ નાણામંત્રી
વર્ષ 2025-26 સુધીમાં રાજકોષીય ખાધને જીડીપીના 4.5 ટકાથી નીચે લાવવાનો ઇરાદોઃ નાણામંત્રી

વર્ષ 2025-26 સુધીમાં રાજકોષીય ખાધને જીડીપીના 4.5 ટકાથી નીચે લાવવાનો ઇરાદોઃ નાણામંત્રી

0
Social Share

નવી દિલ્હીઃ રાજકોષીય મજબૂતીનો માર્ગ ચાલુ રાખતાં સરકાર વર્ષ 2025-26 સુધીમાં રાજકોષીય ખાધને જીડીપીના 4.5 ટકાથી નીચે લાવવાનો ઇરાદો ધરાવે છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં પ્રધાન નિર્મલા સીતારામને આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરતી વખતે આ વાત કરી હતી.

નાણાં પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, નાણાકીય ખાધ 2023-24માં જીડીપીના 5.9 ટકા રહેવાનો અંદાજ છે. વર્ષ 2023-24માં રાજકોષીય ખાધને પહોંચી વળવા માટે ડેટેડ સિક્યોરિટીઝમાંથી ચોખ્ખું બજારનું ઋણ રૂ. 11.8 લાખ કરોડ હોવાનો અંદાજ છે. બાકીનું- બેલેન્સ ફાઇનાન્સિંગ નાની બચત અને અન્ય સ્રોતોમાંથી આવે તેવી અપેક્ષા છે. કુલ બજારનું ઋણ 15.4 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. વર્ષ 2023-24નાં અંદાજપત્રીય અંદાજોમાં નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, ઋણ અને કુલ ખર્ચ સિવાયની કુલ આવક અનુક્રમે રૂ. 27.2 લાખ કરોડ અને રૂ. 45 લાખ કરોડ હોવાનો અંદાજ છે. વળી, ચોખ્ખી કર પ્રાપ્તિ 23.3 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

નાણાં મંત્રીએ વર્ષ 2023-24ના સુધારેલા અંદાજમાં જણાવ્યું હતું કે, ઉધાર સિવાયની કુલ આવક રૂ. 24.3 લાખ કરોડ છે, જેમાંથી ચોખ્ખી કરવેરાની પ્રાપ્તિ રૂ. 20.9 લાખ કરોડ છે. કુલ ખર્ચનો સંશોધિત અંદાજ 41.9 લાખ કરોડ રૂપિયા છે, જેમાંથી મૂડીગત ખર્ચ લગભગ 7.3 લાખ કરોડ રૂપિયા છે. નાણાકીય ખાધનો સુધારેલો અંદાજ બજેટના અંદાજને અનુસરીને 2022-23માં જીડીપીના 6.4 ટકા છે.

નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે મહેસૂલી ખાધ 2022-23માં 4.1 ટકાની સામે નાણાકીય વર્ષ 2023-24માં 2.9 ટકા રહેવાની ધારણા છે. ઉપરાછાપરી વૈશ્વિક સામો પવન અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ અવરોધો ઊભા કરવાનું ચાલુ રાખે છે જે ઘણીવાર સ્થાનિક આર્થિક નીતિના લિવર્સનાં સીધા નિયંત્રણની બહાર હોય છે. તેમ છતાં, નવા વિકાસ અને કલ્યાણ-સંબંધિત ખર્ચની પ્રતિબદ્ધતાઓ, કર પ્રાપ્તિમાં ઉછાળો અને વર્ષ દરમિયાન લક્ષિત ખર્ચને તર્કસંગત બનાવવાથી ઝડપી સર્વસમાવેશક વિકાસ પર ભાર મૂકવાનું ચાલુ રાખવામાં મદદ મળી છે.

રાજકોષીય નીતિ નિવેદનમાં નોંધવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2022-23માં, ખાદ્ય અને ઊર્જા સુરક્ષાને જોખમમાં મૂકનારો ભૂરાજકીય સંઘર્ષ અચાનક ફાટી નીકળવાનાં કારણે, નબળા લોકોને ટેકો આપવા અને મેક્રોઇકોનોમિક સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે ખાદ્ય અને ખાતર સબસિડીની ઊંચી જરૂરિયાત ઊભી થઈ હતી.

કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામને નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં રાજકોષીય ખાધનું સ્તર જીડીપીના 4.5 ટકાથી ઓછું હોય તે હાંસલ કરવા માટે રાજકોષીય દ્રઢીકરણનો વિસ્તૃત માર્ગ અપનાવવાની સરકારની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. સરકાર સ્થાયી, વ્યાપક પાયા પર આધારિત આર્થિક વૃદ્ધિ હાંસલ કરવાના પોતાનાં પ્રયાસો ચાલુ રાખશે અને રાજકોષીય યોગ્યતાના માર્ગને વળગી રહીને લોકોનાં જીવન/આજીવિકાનું રક્ષણ કરવા માટે જરૂરી હોય તેવાં પગલાં લેશે.

  • કરવેરાની આવક

ગ્રોસ ટેક્સ રેવન્યુ (જીટીઆર) નાણાકીય વર્ષ 2022-23ની તુલનામાં નાણાકીય વર્ષ 2023-24માં 10.4 ટકાના દરે વધવાનું અનુમાન છે. પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાની આવકમાં અનુક્રમે 10.5 ટકા અને 10.4 ટકાનો વધારો થવાનો અંદાજ છે. એવો અંદાજ છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા જીટીઆરમાં અનુક્રમે 54.4 ટકા અને 45.6 ટકા ફાળો આપે છે, એમ રાજકોષીય નીતિ નિવેદનમાં નોંધવામાં આવ્યું છે. ટેક્સ ટુ જીડીપી રેશિયો 11.1 ટકા રહેવાનો અંદાજ છે. કર નીતિનો એકંદર મધ્યમ ગાળાનો ભાર ટેરિફ સ્ટ્રક્ચરને તર્કસંગત બનાવવા અને કરના આધારને વિસ્તૃત કરવા તરફ છે. કર માળખામાં ઘૂસી ગયેલા ટેક્સ ઇન્વર્સન્સને દૂર કરીને અને મુક્તિઓ-છૂટને કાપીને આ પ્રાપ્ત કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ટેક્સ બેઝને વિસ્તૃત કરવા, કરદાતાઓ માટે પાલન સરળ બનાવવા, સપ્લાય ચેઇનને ઔપચારિક સ્વરૂપ આપવા અને ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસમાં સુધારો કરવા માટેનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે.

  • મહેસૂલી પ્રાપ્તિઓ અને મહેસૂલી ખર્ચ વચ્ચેની બાકીની રકમ

વર્ષ 2023-24માં બજેટ અંદાજમાં કેન્દ્રની કુલ મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ અનુક્રમે રૂ. 26.32 લાખ કરોડ અને રૂ. 35.02 લાખ કરોડ હોવાનો અંદાજ છે. આના આધારે, બજેટ અંદાજ 2023- 24માં મહેસૂલી આવકનો ગુણોત્તર સુધારેલા અંદાજ 2022-23 અને નાણાકીય વર્ષ 2021-22માં અનુક્રમે 67.9 ટકા અને 67.8 ટકાથી સુધરીને 75.2 ટકા રહેવાનો અંદાજ છે છે. કર-જીડીપી રેશિયો બજેટ અંદાજ 2022-23માં 10.7 ટકાથી સુધરીને સુધારેલા અંદાજ 2022-23 અને બજેટ અંદાજ 2023-24માં 11.1 ટકા થયો છે.

  • કરવેરા સિવાયની આવક

બિન કરવેરા આવક આવક પ્રાપ્તિના 11.5 ટકા યોગદાન આપવાનો અંદાજ છે અને તે રૂ. 3.02 લાખ કરોડ રહેવાનો અંદાજ છે જે રૂ. 2.62 લાખ કરોડના સુધારેલા અંદાજ 2022-23 કરતા 15.2 ટકા વધુ છે.

  • બિન-દેવા મૂડી પ્રાપ્તિ

બજેટ અંદાજ 2023-24માં નોન-ડેટ કેપિટલ રિસિપ્ટ્સ (એનડીસીઆર) અંદાજે 84,000 કરોડ હોવાનો અંદાજ છે, જેમાં લોન અને એડવાન્સિસ (23,000 કરોડ)ની વસૂલાત, મોનેટાઇઝેશન ઑફ રોડ્સ ( 10,000 કરોડ) હેઠળ પ્રાપ્ત થતી આવકો વગેરે સામેલ છે. નોનડેટ કેપિટલ રિસિપ્ટ્સની વાસ્તવિક પ્રાપ્તિનો આધાર બજારની પ્રવર્તમાન સ્થિતિ, સરકારી હિસ્સાને ફાળવવામાં આવેલા અપેક્ષિત મૂલ્યાંકન વગેરે પર રહેલો છે.

  • મૂડીગત ખર્ચથી રાજકોષીય ખાધનો ગુણોત્તર

નાણાકીય ખાધ (કેપેક્સ-એફડી) સામે મૂડી ખર્ચનો ગુણોત્તર 2022-23ના સુધારેલા અંદાજમાં 41.5 ટકા અને નાણાકીય વર્ષ 2021-22માં 37.4 ટકા હતો એની સરખામણીએ બજેટ અંદાજ 2023-24માં 56.0 ટકા રહેવાનો અંદાજ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code