અજિત પવારનો કથિત ઓડિયો સંદેશ વાયરલ: સમર્થકો થયા ભાવુક
મુંબઈ, 29 જાન્યુઆરી 2026: બારામતીમાં થયેલા વિમાન અકસ્માતે સમગ્ર મહારાષ્ટ્રને હચમચાવી દીધું છે. આ દુર્ઘટનામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાન બાદ હવે સોશિયલ મીડિયા પર તેમનો એક કથિત છેલ્લો સંદેશ AIઓડિયોના રૂપમાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને સમર્થકો અને સામાન્ય જનતા અત્યંત ભાવુક થઈ રહ્યા છે.
મરાઠી ભાષામાં વાયરલ થયેલા આ ઓડિયોમાં અજિત પવાર જેવો જ અવાજ સંભળાય છે, જે મહારાષ્ટ્રની જનતાને સંબોધતા કહે છે: “મને ગર્વ છે કે હું સૌના કામમાં આવી શક્યો. બની શકે કે મારા સ્વભાવથી કોઈને દુઃખ થયું હોય, પરંતુ મારો પ્રયાસ હંમેશા સામાન્ય લોકોની સેવા કરવાનો રહ્યો છે. નિયતિ કોઈના હાથમાં નથી, પરંતુ મારા ગયા પછી પણ વિકાસની ગતિ થંભવી જોઈએ નહીં.” આ સંદેશમાં તે વધુમાં કહે છે કે, “ઉઠો અને કામે લાગો. મારું મહારાષ્ટ્ર સદાય આગળ રહેશે. હવે હું વિદાય લઈ રહ્યો છું. મહારાષ્ટ્રમાં ક્યારેય કામ રોકતું નથી. મારા સોગંદ છે કે રાજકારણ કરો, પણ વિકાસને રોકશો નહીં. તમારા આંસુ લૂછી નાખો, રોશો નહીં. છેલ્લા પળે મારી આંખો સામે તમારા સૌના ચહેરા છે.”
અજિત પવારની રાજકીય સફર અને બારામતી સાથેના તેમના જોડાણને આ ઓડિયોમાં જે રીતે રજૂ કરવામાં આવ્યું છે, તેણે લાખો લોકોની આંખો ભીની કરી દીધી છે. જોકે, આ એક AI જનરેટેડ અવાજ હોવાનું માનવામાં આવે છે, છતાં લોકો તેને અજિત દાદા પ્રત્યેની શ્રદ્ધાંજલિ તરીકે શેર કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ભયાનક અકસ્માત બાદ મહારાષ્ટ્રમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. અજિત પવારના નિધનથી રાજ્યમાં એક મોટા નેતૃત્વની ખાલી પડેલી જગ્યા ક્યારેય ભરી શકાય તેમ નથી.
આ પણ વાંચોઃ NCC કેડેટ્સની ભૂમિકા દર વર્ષે મજબૂત બની રહી છે: PM મોદી


