1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અખાત્રીજ: અક્ષય તૃતીયા પર સતયુગ અને ત્રેતાયુગની શરૂઆત થઇ હતી
અખાત્રીજ: અક્ષય તૃતીયા પર સતયુગ અને ત્રેતાયુગની શરૂઆત થઇ હતી

અખાત્રીજ: અક્ષય તૃતીયા પર સતયુગ અને ત્રેતાયુગની શરૂઆત થઇ હતી

0
Social Share

હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે. તેને અખાતીજ પણ કહેવામાં આવે છે. શાસ્ત્રો મુજબ આ દિવસે મુહૂર્ત જોયા વગર કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે. આ દિવસને લગ્ન માટે પણ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે કરેલા કાર્ય સફળ થાય છે અને તેમાં કોઈ વિધ્ન આવતા નથી. આ દિવસે દેવી લક્ષ્મી, ભગવાન વિષ્ણુ અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે. સાથે જ સોનું ખરીદવા માટે આ તારીખ સૌથી શુભ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે અખાત્રીજનો તહેવાર 10 મેના રોજ ઉજવવામાં આવશે. સાથે જ આ દિવસે રવિ યોગનું નિર્માણ પણ થઇ રહ્યું છે. જેના કારણે આ દિવસનું મહત્વ પણ વધુ વધી ગયું છે. આવો જાણીએ ખરીદીનો શુભ સમય અને પૂજા વિધિ.

અખાત્રીજની પૂજા વિધિ

અખાત્રીજના દિવસે સવારે વહેલા ઊઠીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. સાથે જ ગંગાજળને હાથમાં લઈને વ્રતનો સંકલ્પ લો. આ પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ કે તસવીરને પૂજાની ચોકી પર સ્થાપિત કરો. આ પછી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની મૂર્તિ પર ચોખા અર્પિત કરો. ત્યારબાદ ફૂલ કે સફેદ ગુલાબ, ધૂપ-અગરબત્તી વગેરેથી તેમની પૂજા કરો. ઉપરાંત જવ, ઘઉં, કાકડી, ચણાની દાળ વગેરેને નૈવેદ્યના સ્વરૂપ તરીકે અર્પણ કરો.

અખાત્રીજનું મહત્વ

  • હિન્દુ ધર્મગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ અખાત્રીજના દિવસે થયો હતો.
  • આ સિવાય અક્ષય તૃતીયા પર સતયુગ અને ત્રેતાયુગની શરૂઆત થઇ હતી.
  • ભગવાન વિષ્ણુના અવતાર નર-નારાયણ અને હયગ્રીવનો અવતાર પણ આ તિથિએ થયો હોવાનું માનવામાં આવે છે.
  • એવું માનવામાં આવે છે કે વેદ વ્યાસ અને શ્રીગણેશ દ્વારા મહાભારત ગ્રંથનું લેખન પણ આ તિથિ શરૂ થયું હતું.
  • મહાભારતના યુદ્ધનો અંત અક્ષય તૃતીયા તિથિએ થયો હોવાનું માનવામાં આવે છે.
  • દ્વાપર યુગનો અંત પણ અક્ષય તૃતિયા પર થયો હોવાનું મનાય છે.
  • માન્યતાઓ અનુસાર આ શુભ તિથિએ ધરતી પર મા ગંગાનું આગમન થયું હતું.

વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજને અખાત્રીજ કહેવાય છે. જેને અક્ષય તૃતિયા પણ કહેવાય છે. કારણ કે આ પવિત્ર દિવસે જે જે દાન-પુણ્ય કરીએ, જે જે જપ-તપ કરીએ તે તે અક્ષય બને છે. તેથી આ ત્રીજને અક્ષય તૃતિયા પણ કહેવાય છે. પુરાણમાં લખ્યું છે કે આ દિવસે મધ્યાહન સમયે પિતૃ તર્પણ અને પીંડદાન કરવાથી તેમજ દાન-પુણ્ય કરવાથી પિતૃઓને મોક્ષ પ્રદાન થાય છે. આ દિવસે ગંગાસ્નાન કરવાથી તેમજ શ્રીહરિ વિષ્ણુ અને લક્ષ્મીજીની એકસાથે પૂજા કરવાથી વિશેષ ફળ પ્રદાન થાય છે. આ દિવસે આપણામાં રહેલા તમામ દૂર્ગુણો પ્રભુને સોંપીને તેની પાસેથી સદગુણોની અનમોલભેટ અને વરદાન માંગવાની પરંપરા છે. ભગવાન ઋષભદેવે તપના પારણા આ દિવસે કર્યા હતા તેથી જૈનધર્મમાં વર્ષીતપના પારણા અખાત્રીજે કરાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code