
યુક્રેનના 15 શહેરોમાં હવાઈહુમલા થવાની શકયતાને પગલે એલર્ટ
નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે આઠમો દિવસ છે. સવારથી જ કીવ અને ખારકીવ ઉપર રશિયા દ્વારા સતત હવાઈ હુમલા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન યુક્રેનના 15 શહેરોમાં હલાઈ હુમલા એલર્ટ અપાયું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ રશિયન સૈનિકોને ચેતવણી આપીને ઝડપથી યુક્રેન છોડવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું કે, હું અમારી જમીન તમારી લાશોથી ઢાંકવા નથી માંગતો, બીજી તરફ રશિયાએ યુક્રેનને હવે આર્થિક રીતે બરબાદ કરવાની દિશામાં કાર્યવાહી શરૂ છે. રશિયાએ યુક્રેનના ચેરનીહીવ તેલ ડેપો ઉપર મિસાઈલથી હુમલો કર્યો હતો. રશિયાના હુમલાને પગલે યુક્રેનના 15 શહેરો ઉપર હવાઈ હુમલાનું એલર્ટ આપવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ભયના માર્યા 10 લાખ નાગરિકોએ યુક્રેન છોડ્યું છે. રશિયાની સૈન્ય કાર્યવાહી વચ્ચે યુક્રેનને જર્મનીનો સાથ મળ્યો છે. જર્મની 2700 જેટલા હવા-રોધી મિસાઈલ યુક્રેનને આપશે. યુક્રેનમાં કિવ પછી સૌથી મોટા શહેર ખારકીવમાં રશિયાએ આજે પણ ભારે બોમ્બમારી કરી હતી. દરમિયાન બાળકો સહિત આઠ વ્યક્તિઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે.
રશિયાએ દાવો કર્યો હતો કે, તેમના સૈનિક દળોએ યુક્રેનમાં 1600થી વધારે સૈન્ય સ્થળો બરબાદ કર્યાં છે. રશિયાના રક્ષા મંત્રાલયના પ્રવક્તા ઈગોર કોનાશનકોવએ દાવો કર્યો હતો કે, રશિયાના સૈન્ય દળએ યુક્રેનના 1600થી વધારે સૈન્ય ઠેકાણાને નાશ કર્યાં છે. યુક્રેન સેનાના 62 કમાન્ડ પોસ્ટ અને સંચાર કેન્દ્ર, 38 એસ-300, બુક એમ-1 અને ઓસા વાયુ રક્ષા મિસાઈલ પ્રણાલી તથા 52 રડાર સ્ટેશનનો સમાવેશ થાય છે.