અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા મોટાભાગની બેઠકો પરના ઉમેદવારો જાહેર કરી દેવાયા બાદ હવે પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરવાના ટાણે જ આખરે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ચૂંટણી ગઠબંધન કરાયું છે. કોંગ્રેસ એનસીપી માટે ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારિયાની બેઠક પર ઉમેદવારો ઊબા નહીં રાખે, આમ એનસીપીને ત્રણ બેઠક અપાશે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને જયંત બોસ્કી વચ્ચેની બેઠક સફળ સાબિત થઈ છે. બંને પક્ષો વચ્ચે ત્રણ બેઠક માટે ગઠબંધન થયું છે.
ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરાવાનો પ્રારંભ થઈ ગયો છે. દરમિયાન ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની બુલેટ ટ્રેનની સ્પીડે જાહેરાત કરી છે. ભાજપે બંને તબક્કામાં 160 ઉમેદવારો જાહેર કરી દીધા છે, અને કોંગ્રેસ ગુરૂવારની મોડી રાત્રે વધુ 46 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી હતી. બીજી બાજુ આમ આદમી પાર્ટીએ પણ લગભગ મોટાભાગની બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધાં છે. ગોંડલ બેઠક પરથી ત્રણ મહિલાઓ વચ્ચે ચૂંટણીની લડાઈ લડાશે. કોંગ્રેસમાંથી AAPમાં આંટો મારી પાછા કોંગ્રેસમાં આવેલા ઈન્દ્રનીલ રાજ્યગુરૂને કોંગ્રેસે રાજકોટ પૂર્વ બેઠક પર ટીકિટ આપતાં હવે ખરાખરીનો જંગ જામશે. વડોદરાની પાદરા બેઠક પરથી દિનેશ પટેલની ટીકિટ ભાજપમાંથી કપાઈ જતાં હવે તેઓ અપક્ષ લડશે તેવી જાહેરાત કરી છે.બીજી બાજુ કોંગ્રેસમાં ઉમેદવારોને લઈ ભૂકંપ સર્જાયો છે. ગણદેવી બેઠક પર પહેલી યાદીમાં જાહેર કરાયેલા શંકર પટેલને બદલીને હવે અશોક પટેલને ફાઈનલ કરવામાં આવ્યાં છે. ગણદેવી બેઠક પર હવે અશોક પટેલ ઉમેદવારી ફોર્મ ભરશે.
NCPના જયંત બોસ્કીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સાથે ગઠબંધનને લઈ બેઠક કરી રહ્યાં છીએ. ગોંડલ સીટ માટે કોઈ વાત જ નથી થઈ. જો પાર્ટીની લાઈન બહાર કોઈ ઉમેદવાર ફોર્મ ભરશે તો અપક્ષ ઉમેદવારી ગણાશે. તમામ બેઠકો NCPના મેન્ડેટ પર લડાવવામાં આવશે. અત્યારે કાંધલ જાડેજાની વાત ચાલે છે. કોંગ્રેસ કહેશે તો આગળ વધીશું. તેમના આ નિવેદન બાદ રેશ્મા પટેલ માટે છેલ્લી ઘડીએ જોખમ ઉભું થયુ છે. હાલ ઉમરેઠ,અને નરોડા અને દેવગઢ બારિયાની બેઠક પર ગઠબંધન કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ચુંટણીમાં અર્બુદા સેનાના વિપુલ ચૌધરી મહેસાણા જિલ્લાની વિસનગર બેઠક પરથી ચૂંટણી લડશે. આ અંગે અર્બુદા સેનાના મહેસાણા જિલ્લા મહામંત્રી રાજુભાઇ ચૌધરીએ જાહેરાત કરી હતી. જેને લઇને રાજકારણ ગરમાયુ છે. વિપુલ ચૌધરી AAP પક્ષમાંથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે. આમ મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા વિપુલ ચૌધરી AAPની ટિકિટે વિસનગરથી ચૂંટણી લડશે. જો કે આ અંગે આપ દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વિસનગરમાં મોટે ભાગે પાટીદાર ઉમેદવારની જીત થતી હોય છે. જો કે, ઠાકોર અને ચૌધરી મતો પણ નિર્ણાયક માનવામાં આવે છે. ચૂંટણીમાં ઠાકોર અને ચૌધરી મતો પર જે ઉમેદવાર પ્રભુત્વ ધરાવતો હોય તેની જીતવાની સંભાવના વધી જાય છે.


