1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છતાં ખેડુતોનો યોગ્ય પ્રતિસાદ ન મળ્યો
સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છતાં ખેડુતોનો યોગ્ય પ્રતિસાદ ન મળ્યો

સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છતાં ખેડુતોનો યોગ્ય પ્રતિસાદ ન મળ્યો

0
Social Share

રાજકોટઃ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડુતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા હતા. અને ખેડુતોને ઓનલાઈન નોંધણી કરાવ્યા બાદ ટેકાના ભાવે મગફળીના ખરીદી શરૂ કરી હતી. પરંતુ આ વખતે જાહેર બજારમાં મગફળીના ભાવ અને સરકારે જાહેર કરાયેલા ભાવમાં વધુ તફાવત ન હોવાથી મોટાભાગના ખેડુતોએ જાહેર બજારમાં યાને માર્કેટ યાર્ડ્સમાં મગફળીનું વેચાણ કર્યું હતું. તેના લીધે ગત વર્ષની તુલનામાં સરકારને ટેકાના ભાવ આપવા છતાં મગફળીનો પુરતો જથ્થો પ્રાપ્ત થયો નહતો.

સૂત્રોના જણાવ્યા મુજબ લાભપાંચમથી વાજતે ગાજતે શરૂ થયેલી મગફળીની સરકારી ખરીદી પૂર્ણ થઈ ગઈ છે. સરકારને પાછલા વર્ષની તુલનાએ ત્રીજા ભાગની મગફળી મળી છે. નાફેડને વેચવા કરતા ખેડૂતોએ યાર્ડના પ્લેટફોર્મ પસંદ કર્યા છે. 83 દિવસ સુધી ચાલેલી સરકારી ખરીદીમાં સરકારને પૂરી એક લાખ ટન મગફળી પણ મળી નથી. ગયા વર્ષમાં ત્રણેક લાખ ટનની ખરીદી થઈ હતી તેની સામે સરકારને માંડ 92,940 ટનની પ્રાપ્તિ લઘુતમ ટેકાના ભાવથી થઈ શકી છે. આ વર્ષે સરકારી ભાવ રૂ.1110 જાહેર થયો હતો. માર્કેટ યાર્ડોમાં એનાથી સારો ભાવ મળ્યો એટલે ખેડૂતો સરકારના કેન્દ્રો પર બહુ ગયા નથી. ખેડૂતો કહે છે, માર્કેટીંગ યાર્ડોમાં આખું વરસ મગફળીનો ભાવ રૂ. 1150થી ઉપર જ રહ્યો છે. જે ખેડૂતોને ઓછો ભાવ મળતો હતો તે જ વેચવા આવ્યા હતા.
સરકારી આંકડાઓ પ્રમાણે 92,940.77 ટનની ખરીદી થઈ તેની કિંમત રૂ.51,582 લાખ થાય છે. જોકે ગુજરાતમાં 2,34,123 ખેડૂતોએ નોંધણી કરાવી હતી તેમાંથી 48,816 ખેડૂતો જ વેંચવા માટે આવ્યા હતા.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, માર્કેટ યાર્ડમાં ન વેચાય તેવી મગફળી સરકારને વેચવા માટે ખેડૂતોને વિકલ્પ મળી રહ્યો છે. સરકારી ખરીદીમાં વિવિધ સરકારી કાગળો રજૂ કરવા, માલ લઈને આવવાનું ખર્ચ, કાઉન્ટ ગણવા, લાઇનોમાં લાંબો સમય રાહ જોવી એ ઉપરાંત પૈસા મળવામાં ભારે વિલંબ થઈ રહ્યો હોવાથી ખેડૂતો થોડા ઓછા ભાવમાં પણ યાર્ડમાં વેચવા તૈયાર થઈ જતા હતા. ગોંડલ અને રાજકોટ જેવા માર્કેટ યાર્ડમાં એક અઠવાડિયે આવક થતી હતી છતાં ખેડૂતો વેચવા માટે તલપાપડ હતા. હવે રોજ આવક થાય છે. સૌરાષ્ટ્રમાં પચ્ચાસેક હજાર ગુણી આવક રહી હતી. આ વખતે સૌથી વધારે ખરીદી રાજકોટ જિલ્લામાં 28,596 ટનની થઈ હતી. જિલ્લામાં 14,413 ખેડૂતોએ વેચાણ કર્યું હતું. જામનગર જિલ્લામાં 16,441 ટન મગફળી 8055 ખેડૂતો પાસેથી ખરીદવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકામાં 10,769 ટન મગફળી 5505 ખેડૂતોએ વેંચી હતી. આ વર્ષે મગફળીનું ઉત્પાદન 30 લાખ ટન થવાની ધારણા છે. જે ગયા વર્ષ કરતા થોડું વધારે છે. ચીનમાં સીંગતેલની માગ ઠપ થઈ જતા કોઈ નિકાસ કામકાજ થયાં નથી. સીંગદાણાની નિકાસ પણ આ વખતે સાવ નબળી રહી હતી. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code